શાકભાજીના ભાવે મોંઘવારી વધારી, સપ્ટે.માં છૂટક ફુગાવો વધીને 5.49%
એક મહિનામાં 50 ટકાનો વધારો નોંધાયો
ચોમાસામાં દેશભરમાં ભારે વરસાદ નોંધાતા શાકભાજીની આવકો ઘટી હતી. પરિણામે શાકભાજીના ભાવમાં ગયા મહિને ભારે વધારો જોવા મળ્યો હતો. જેની સીધી અસર ફુગાવા પર થઈ હતી. આરબીઆઈએ જાહેર કરેલા ડેટા પ્રમાણે શાકભાજીના ભાવના લીધે છુટક ફૂગાવો ઓગસ્ટ કરતા સપ્ટેમ્બરમાં 50% વધી ગયો હતો.
સરકારી ડેટા અનુસાર, ભારતનો છૂટક ફુગાવાનો દર આ વર્ષે ઓગસ્ટમાં 3.65 ટકાથી વધીને સપ્ટેમ્બરમાં 5.49 ટકા થયો છે. ફુગાવાના આ વધારામાં મુખ્ય ફાળો આપનારાઓમાં ખોરાકની વધતી કિંમતો, માંગમાં વધારો અને અન્ય આર્થિક પરિબળોનો સમાવેશ થઈ શકે છે જે ભારતીય પરિવારોના જીવન ખર્ચને અસર કરી રહ્યા છે. સપ્ટેમ્બર 2023માં ગ્રાહક ભાવ સૂચકાંક આધારિત ફુગાવો 5.02 ટકા હતો. નેશનલ સ્ટેટિસ્ટિક્સ ઓફિસના ડેટા દર્શાવે છે કે ફૂડ બાસ્કેટમાં ફુગાવો સપ્ટેમ્બરમાં વધીને 9.24 ટકા થયો હતો જે ઓગસ્ટમાં 5.66 ટકા હતો અને એક વર્ષ અગાઉના સમાન મહિનામાં 6.62 ટકા હતો.