યુપીમાં અનામતના ગોટાળા, 69 હજાર શિક્ષકોની ભરતી રદ
નવેસરથી પરિણામ જાહેર કરવા હાઇકોર્ટનો હુકમ
ઉત્તર પ્રદેશમાં 69 હજાર શિક્ષકોની ભરતી મામલે હાઈકોર્ટે મોટો નિર્ણય આપ્યો છે. કોર્ટની ડબલ બેન્ચે શિક્ષક ભરતીની મેરીટ યાદી રદ કરી છે. આ ઉપરાંત, સરકારને આરક્ષણ નિયમો 1994ની કલમ 3(6) અને મૂળભૂત શિક્ષણ નિયમો 1981નું પાલન કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.અલ્હાબાદ હાઈકોર્ટની લખનૌ બેંચે 69,000 સહાયક શિક્ષક ભરતી પરીક્ષાનું પરિણામ નવેસરથી જાહેર કરવાનો આદેશ આપ્યો છે.
હવે પ્રાથમિક શિક્ષણ વિભાગે 3 મહિનામાં નવી પસંદગી યાદી બહાર પાડવી પડશે. અલ્હાબાદ હાઈકોર્ટના આ આદેશથી યુપી સરકારને મોટો ઝટકો લાગ્યો છે. નવી પસંદગી યાદી તૈયાર થતાં છેલ્લા 4 વર્ષથી ફરજ બજાવતા હજારો શિક્ષકોની નોકરી દૂર થશે.
69 હજાર શિક્ષકોની ભરતીમાં અનામતની ગેરરીતિનો મામલો લાંબા સમયથી હાઈકોર્ટમાં પેન્ડિંગ હતો. શિક્ષકની ભરતીમાં 19 હજાર જગ્યાઓ અનામત રાખવા બાબતે ગેરરીતિના આક્ષેપો થયા હતા. ઘણા લોકો આમાં વિસંગતતાનો આક્ષેપ કરીને કોર્ટમાં ગયા હતા.
69 હજાર શિક્ષકોની ભરતીમાં અનામતની ગેરરીતિનો મામલો લાંબા સમયથી હાઈકોર્ટમાં પેન્ડિંગ હતો.
હાઈકોર્ટે 69000 મદદનીશ શિક્ષકોની હાલની યાદીને ખોટી ગણીને મેરિટ યાદી રદ કરી છે. કોર્ટે ઉત્તર પ્રદેશ સરકારને 3 મહિનામાં નવી મેરિટ લિસ્ટ તૈયાર કરવાનો આદેશ આપ્યો છે. જેમાં અનામતના નિયમો અને પાયાના શિક્ષણના નિયમો હેઠળ કરવા આદેશ આપવામાં આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે ડિસેમ્બર 2018માં જ્યારે આ મેરિટ લિસ્ટ આવ્યું ત્યારે તેના પર વિવાદ શરૂૂ થયો હતો. ઉમેદવારોએ સમગ્ર ભરતી પ્રક્રિયા પર ગંભીર પ્રશ્નો ઉઠાવ્યા હતા. જેમાં 19 હજાર જગ્યાઓ અંગે અનામતમાં ગેરરીતિના આક્ષેપો કરવામાં આવ્યા હતા. યુપી સરકારે ડિસેમ્બર 2018માં 69000 સહાયક શિક્ષકોની ભરતી કરી હતી અને જાન્યુઆરી 2019માં પરીક્ષા લેવામાં આવી હતી. આ ભરતીમાં 10 લાખ ઉમેદવારોએ ભાગ લીધો હતો. જેમાં લગભગ 1.40 લાખ ઉમેદવારો સફળ થયા અને મેરિટ લિસ્ટ બહાર પાડવામાં આવ્યું હતું.