હિન્દુ પરના અત્યાચારી ઔરંગઝેબની કબર દૂર કરવાથી ઇતિહાસ ભૂંસાવાનો નથી
મહારાષ્ટ્રમાં હમણાં મોગલ બાદશાહ ઔરંગઝેબનો વિવાદ વકર્યો છે. સમાજવાદી પાર્ટીના નેતા અબુ આઝમીએ ઔરંગઝેબનાં વખાણ કરતાં શરૂૂ થયેલી બબાલમાં હવે વાત અગાઉના ઔરંગાબાદ અને હાલના છત્રપતિ સંભાજીનગરમાં આવેલી ઔરંગઝેબની કબર દૂર કરવા સુધી પહોંચી ગઈ છે. મરાઠા રાજા છત્રપતિ શિવાજી મહારાજના વંશજ અને સતારાના ભાજપના સાંસદ ઉદયનરાજે ભોંસલેએ છત્રપતિ સંભાજીનગર જિલ્લાના ખુલદાબાદમાં આવેલી ઔરંગઝેબની કબરને દૂર કરવાની માગ કરી હતી.
ભોંસલેની માગ વિશે પૂછવામાં આવતા મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે પણ ખુલદાબાદમાં આવેલી મુઘલ બાદશાહ ઔરંગઝેબની કબરને દૂર કરવાની હાકલને ટેકો આપી દીધો પણ પોતાની વાતને ઔરંગઝેબની કબર દૂર કરવાની લીલી ઝંડી તરીકે ના લઈ લેવાય ને પોતે કોઈ ટંટામાં ના ફસાય એટલે આ કામ કાયદાની મર્યાદામાં રહીને કરવાની સૂફિયાણી સલાહ પણ આપી દીધી. ફડણવીસનું કહેવું છે કે, ઔરંગઝેબની કબર દૂર થાય એવું બધાં ઈચ્છે છે પણ આ કામ કાયદાના દાયરામાં રહીને થવું જોઈએ કારણ કે ઔરંગઝેબની કબર ઈન્ડિયન ઓર્કિયોલોજિકલ સર્વે (એએસઆઈ) એટલે કે ભારતીય પુરાતત્ત્વ સર્વેક્ષણના રક્ષણ હેઠળ મૂકવામાં આવી છે અને સંરક્ષિત ઈમારત જાહેર કરવામાં આવી છે.
ફડણવીસના દાવા પ્રમાણે, કેટલાક વર્ષો પહેલા કોંગ્રેસ શાસન દરમિયાન આ સ્થળને ભારતીય પુરાતત્ત્વ સર્વેક્ષણના રક્ષણ હેઠળ મૂકવામાં આવ્યું હતું. આ વાત સાચી છે કે ખોટી તેનું બહુ મહત્ત્વ નથી કેમ કે કોંગ્રેસે વરસે પહેલાં એ કરેલું. ભાજપમાં દેમ હોય તો તેણે અત્યારે કોંગ્રેસના નિર્ણયને ઉલટાવી બતાવવો જોઈએ. કેન્દ્રમાં છેલ્લાં 10 વર્ષથી ભાજપનું શાસન છે અને મહારાષ્ટ્રમાં ખુદ દેવેન્દ્ર ફડણવીસ પોતે પાંચ વર્ષ મુખ્ય પ્રધાન રહી ચૂક્યા છે. એ પછી એકનાથ શિંદેની સરકારમાં પણ ભાજપ ભાગીદાર હતો ને દેવેન્દ્ર ફડણવીસ પોતે નાયબ મુખ્ય પ્રધાન હતા. ખુલદાબાદમાં એ વખતે પણ ઔરંગઝેબની કબર હતી જ પણ ફડણવીસને કે ભાજપ સરકારને ત્યારે કબર દૂર કરવાનું સૂઝ્યું નહોતું. હવે વિવાદ ઊભો થયો છે ત્યારે ફડણવીસ રાજકીય મુદ્દો ઉભો કરીને ફાયદો મેળવવા માટે કબરને દૂર કરવાની પિપૂડી વગાડવા મચી પડ્યા છે. કરવાની જરૂૂર છે ખરી ? બિલકુલ નથી કેમ કે કબર દૂર કરવાથી ઈતિહાસ ભૂંસાવાનો નથી. ને મહારાષ્ટ્રની ભાજપ સરકાર ખરેખર ઔરંગઝેબને વિલન માનતી હોય ને તેનામાં દમ હોય તો તેણે ઔરંગઝેબની કબર ખુલદાબાદમાં જ રાખીને ત્યાં આવનારાં લોકોને ઔરંગઝેબનો સાચો ઈતિહાસ જણાવવો જોઈએ. ઔરંગઝેબની અસલિયત લોકો સામે ખુલ્લી મૂકવી જોઈએ.