નેશનલ હાઈવે, સ્કૂલ-કોલેજ, હોસ્પિટલો પર થી રખડતા ઢોર-કૂતરાઓને હટાવો: સુપ્રીમ કોર્ટનો આદેશ
આજે સુપ્રીમ કોર્ટે દેશભરમાં રખડતા કૂતરાઓના મુદ્દા પર સુનાવણી કરી. ન્યાયાધીશ વિક્રમ નાથ, સંદીપ મહેતા અને એન.વી. અંજારિયાની બનેલી બેન્ચે સુનાવણી હાથ ધરી હતી. સુપ્રીમ કોર્ટે હાઇવે અને એક્સપ્રેસવે પર રખડતા પ્રાણીઓ પર પ્રતિબંધ લાદ્યો અને તેમને તાત્કાલિક દૂર કરવાનો નિર્દેશ આપ્યો.
રખડતા કૂતરાઓ સાથે જોડાયેલા એક કેસમાં કહ્યું કે, રાજસ્થાન હાઈકોર્ટનો નિર્ણય આખા દેશમાં લાગુ થશે. બધા સ્ટેટ અને નેશનલ હાઈવે પરથી રખડતા પશુઓને હટાવવામાં આવે. રખડતા કૂતરાઓથી નિપટવા માટે હોસ્પિટલો, સ્કૂલો અને કોલેજ કેમ્પસમાં વાડ લગાવો.પકડાયેલા રખડતા કૂતરાઓને તે જ જગ્યા પર પાછા છોડવામાં નહીં આવે, જ્યાંથી તેમને ઉઠાવવામાં આવ્યા હતા.
સુપ્રીમ કોર્ટે કહ્યું કે, બધા રાજ્યોના મુખ્ય સચિવ આ નિર્દેશોનું કડક રીતે પાલન કરાવશે. સ્ટેટસ રિપોર્ટ અને સોગંદનામું 3 અઠવાડિયામાં દાખલ કરવામાં આવે. આ કેસમાં આગામી સુનાવણી હવે 13 જાન્યુઆરીના રોજ થશે.
3 મહિના પહેલાં રાજસ્થાન હાઈકોર્ટે જવાબદાર સરકારી એજન્સીઓને રસ્તાઓ પરથી રખડતા જાનવરોને હટાવવાનો આદેશ આપ્યો હતો. કહ્યું હતું કે કાર્યવાહીને અસર કરનારાઓ વિરુદ્ધ FIR પણ થશે.
ઉલ્લેખનીય છે કે, ત્રીજી નવેમ્બરના રોજ સુપ્રીમ કોર્ટે સંસ્થાકીય વિસ્તારોમાં કૂતરા કરડવાના ગંભીર જોખમને અટકાવવા માટે નિર્દેશ આપવાની વાત કહી હતી, ખાસ કરીને જ્યાં સ્ટાફ રખડતા કૂતરાને ખવડાવે છે અને તેમને પરિસરમાં રહેવા માટે પ્રોત્સાહન આપે છે. કોર્ટ દિલ્હીમાં કૂતરા કરડવાથી હડકવા ફેલાય છે તે અંગેના મીડિયા અહેવાલ બાદ 28મી જુલાઈના રોજ શરૂ કરાયેલા સુઓ મોટો કેસની સુનાવણી કરી રહી છે.
કોર્ટે રખડતા કતરાના આ મુદ્દાને માત્ર દિલ્હી-રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્રથી આગળ વધારીને તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને આ કેસમાં પક્ષકાર બનાવવાનો નિર્દેશ આપ્યો હતો. આ કેસની આગામી સુનાવણી 13મી જાન્યુઆરી માટે નક્કી કરવામાં આવી છે.