રેખા ગુપ્તા સરકારમાં પતિ જ સાચો વહીવટકર્તા: દિલ્હી ફૂલેરા ગ્રામ પંચાયતનું ઉદાહરણ
દિલ્હીનાં મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ પોતાના સત્તાવાર નિવાસસ્થાનને આલિશાન બનાવવા પાછળ લાખો રૂૂપિયાનું આંધણ કર્યું તેનો વિવાદ શમ્યો નથી ત્યાં રેખા ગુપ્તાએ બોલાવેલી સત્તાવાર બેઠકમાં તેમના પતિદેવ મનિષ ગુપ્તા હાજર રહ્યાનો નવો ડખો ઉભો થયો છે. રેખા ગુપ્તાના પોતાના મતવિસ્તાર શાલિમાર બાગનાં વિકાસ કાર્યોની સમીક્ષા માટે ગુપ્તાએ અધિકારીઓ સાથે બોલાવેલી બેઠકમાં ગુપ્તાજી સદેહે હાજર તો રહ્યા પણ અધિકારીઓને સૂચનાઓ પણ આપી એવો આમ આદમી પાર્ટીએ આક્ષેપ કર્યો છે. બહુ વખણાયેલી પંચાયત વેબ સિરીઝમાં મહિલા સરપંચ બનતાં નિના ગુપ્તા શોભાના ગાંઠિયા જેવાં સરપંચ હોય છે. તેમના બદલે તેમના પતિ બનતા રઘુવીર યાદવ જ નિર્ણયો લે છે અને પંચાયતની બેઠકોમાં હાજર રહે છે, બધો કારભાર એ સરપંચના પતિ જ કરે છે.
આ વેબ સિરીઝને હવાલો આપીને આપના નેતાઓએ કટાક્ષ કર્યો છે કે, ભાજપે દિલ્હીને ફુલેરા ગ્રામ પંચાયત બનાવી દીધી છે. આપનું કહેવું છે કે, મુખ્યમંત્રીના પતિની સરકારી બેઠકમાં ગેરહાજરી સંપૂર્ણપણે ગેરબંધારણીય છે. ભાજપ દ્વારા દેશની રાજધાનીમાં, લોકશાહી અને બંધારણીય વ્યવસ્થાની મજાક ઉડાવવામાં આવી રહી છે. વંશવાદી રાજકારણ માટે કોંગ્રેસની સતત ટીકા કરતી ભાજપે સમજાવવું જોઈએ કે, આ વંશવાદી રાજકારણ નથી? ભાજપે રેખા ગુપ્તાના પતિદેવની સરકારી બેઠકમાં હાજરીનો બચાવ કરીને કહ્યુ છે કે, રેખા ગુપ્તાના પતિદેવ ગુપ્તાના મતવિસ્તારની દેખરેખ રાખે છે તેથી બેઠકમાં હાજર રહે તેમાં કશું ખોટું નથી. ભાજપે તો ભૂતકાળમાં ક્યા ક્યા મુખ્યમંત્રીનાં સગાં તેમના મતવિસ્તારની દેખરેખ રાખતાં હતાં તેની વિગતો પણ આપી છે. ભાજપના આઈટી સેલના કર્તાહર્તા અમિત માલવિયે ટ્વિટ કરી છે કે, દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાને નિશાન બનાવવા માટે આમ આદમી પાર્ટીએ કંઈક વધારે નક્કર મુદ્દા શોધવો જોઈએ. રેખા ગુપ્તા પોતાના મતવિસ્તારની સમીક્ષા બેઠક કરી રહ્યા હતાં તેમાં મનિષ ગુપ્તા હાજર હતા કેમ કે આ મતવિસ્તારની દેખરેખ તેમના પતિ રાખે છે. ભૂતકાળમાં શીલા દીક્ષિતના મતવિસ્તારની દેખરેખ તેમનાં બહેન રમા ધવન કરતાં હતાં અને સુનિતા કેજરીવાલ અરવિંદ કેજરીવાલના મતવિસ્તારની દેખરેખ રાખતા હતા.
ભાજપે ફુલેરા પંચાયતના કટાક્ષ સામે વળતો કટાક્ષ એ પણ કર્યો છે કે, મનિષ ગુપ્તા બેઠકમાં હાજર હતા પણ સુનિતા કેજરીવાલની જેમ મુખ્યમંત્રીનાી ખુરશી પર બેઠા ન હતા કે ગેરકાયદે આદેશો આપતા નથી. કેજરીવાલના સમયમાં સીનિયર અધિકારીઓને મુખ્યમંત્રી મેડમના નિર્દેશ મુજબ” કામ કરવા માટે દબાણ કરવામાં આવ્યું હતું એવું કશું મનિષ ગુપ્તાએ કર્યું નથી. ભાજપ કોંગ્રેસના વંશવાદની ટીકા કરે છે અને રેખા ગુપ્તાના વંશવાદને પોષે છે એ વાત પણ ખોટી નથી. રેખા ગુપ્તા ગામડાની મહિલા સરપંચની જેમ વર્તીને પોતાના પતિને આગળ કરે એ વંશવાદ જ નહીં પણ બંધારણની ઉપરવટ સત્તા છે.