MPમાં બળાત્કારના આરોપીનો ઘરમાં ઘૂસી ગોળીબાર, દાદાનું મોત, કાકા-પીડિતા ઘાયલ
બળાત્કારના કેસમાં સમાધાન માટે ગયાનું તારણ
મધ્યપ્રદેશના છતરપુરથી હૃદયદ્રાવક સમાચાર સામે આવ્યા છે. અહીં આરોપીએ રેપ પીડિતાના ઘરમાં ઘુસીને હંગામો મચાવ્યો હતો. આરોપ છે કે આરોપીએ પીડિતાના ઘરમાં ઘૂસીને તેના કાકા અને દાદાને ગોળી મારી દીધી હતી. ગોળી વાગવાથી દાદાનું ઘટનાસ્થળે જ મોત થયું હતું જ્યારે કાકા હોસ્પિટલમાં દાખલ છે. ત્યાં તેની સારવાર ચાલી રહી છે.
મધ્યપ્રદેશના છતરપુરમાં સોમવારે એક બાળકી પર બળાત્કાર કરનાર આરોપીએ તેના ઘરે કથિત રીતે ગોળીબાર કર્યો હતો, જેમાં છોકરીના દાદાનું મોત થયું હતું. આ ફાયરિંગમાં પીડિતા અને તેના કાકાને ઈજા થઈ હતી. પોલીસ અધિક્ષક અગમ જૈને જણાવ્યું કે આ ઘટના સોમવારે સવારે મોહરા ગામમાં બની હતી. જૈને વધુમાં જણાવ્યું હતું કે, ભોલા અહિરવાર (24) એ ગોળીબાર કર્યો જેમાં 60 વર્ષીય વ્યક્તિનું મૃત્યુ થયું. આ દરમિયાન રેપ પીડિતા (17) અને તેના કાકા (32) ઘાયલ થયા હતા.
તેમણે વધુમાં જણાવ્યું કે બંનેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પ્રાથમિક દૃષ્ટિએ એવું લાગે છે કે આરોપી અગાઉ નોંધાયેલા (બળાત્કાર) કેસમાં સમાધાન કરવા માગતો હતો. અધિકારીએ કહ્યું, અહિરવારની ધરપકડ કરવાના પ્રયાસો ચાલુ છે. પીડિતાએ જણાવ્યું કે તેણે બે મહિના પહેલા ભોલા અહિરવાર વિરુદ્ધ જાતીય સતામણીનો કેસ નોંધાવ્યો હતો. તેણે વધુમાં કહ્યું, સવારે તે અમારા ઘરમાં ઘૂસી ગયો અને મારા પર, મારા દાદા (મૃતક) અને કાકા પર ગોળીબાર કર્યો. સિવિલ લાઇન પોલીસ સ્ટેશનના પ્રભારી વાલ્મિકી ચૌબેએ જણાવ્યું કે, યુવતીની ફરિયાદ પર અહિરવર વિરુદ્ધ બે મહિના પહેલા બળાત્કારનો કેસ નોંધવામાં આવ્યો હતો.