ઔરંગઝેબ પછી રાણા સાંગાનો વિવાદ: સ્વાર્થ ખાતર ઈતિહાસને વિકૃત કરવાની ભદ્ી માનસિકતા
ભારતમાં ઇતિહાસને વિકૃત રીતે રજૂ કરવાની ફેશન થઈ ગઈ છે. જેને ઇતિહાસમાં કશી ખબર પડતી નથી કે જેમણે ઇતિહાસ વાંચ્યો જ નથી એવા લોકો પણ ઇતિહાસ વિશે ફેંકાફેંક કરે છે. વોટ્સએપ પર તો આવા ઇતિહાસવિદોનો રાફડો ફાટેલો છે. એ લોકો ઇતિહાસના નામે એવી એવી વાતો લઈ આવે છે કે જે સાંભળીને આપણું મગજ ચકરાઈ જાય. રાજકારણીઓ તો ઇતિહાસની પત્તર ખાંડીને પોતાના સ્વાર્થ માટે મનફાવે એવાં જૂઠાણાં ફેલાવવામાં સૌથી વધારે માહિર છે.
પહેલાં કોંગ્રેસ અને ડાબેરીઓ આ મામલે વર્લ્ડ ચેમ્પિયન હતા, પણ છેલ્લાં કેટલાંક વરસોથી આ તાજ ભાજપ અને હિંદુવાદી સંગઠનોના માથે છે. એ લોકોએ અત્યારે ઇતિહાસને વિકૃત રીતે રજૂ કરવામાં ને ઇતિહાસને નામે વોટ્સએપ પર જૂઠાણાં ફેલાવવામાં બધાને પાછળ છોડી દીધા છે, પણ બીજા નેતાઓ પણ પાછળ નથી તેનું તાજું ઉદાહરણ ઉત્તર પ્રદેશના સમાજવાદી પાર્ટીના (જઙ) રાજ્યસભા સાંસદ (ખઙ) રામજી લાલ સુમને રાણા સાંગા વિશે પ્રગટ કરેલું મહાજ્ઞાન છે. રાણા સાંગા મેવાડના રાજા હતા ને તેમનું મૂળ નામ મહારાણા સંગ્રામ સિંહ હતું. રામજીલાલ સુમને દાવો કર્યો છે કે, રાણા સાંગા ’ગદ્દાર હતા કેમ કે તેમણે મોગલ બાદશાહ બાબરને ઇબ્રાહીમ લોદીને હરાવવા માટે ભારત પર આક્રમણ કરવા નિમંત્રણ આપ્યું હતું. ઔરંગઝેબ મામલે હમણાં બબાલ ચાલી રહી છે તેમાં રામજીલાલને ઔરંગઝેબ પર હેત ઊભરાઈ આવેલું કેમ કે સમાજવાદી પાર્ટીની મતબેન્ક મુસ્લિમોની છે. આ મતબેન્કને સાચવવા માટે તેમણે જ્ઞાન પીરસ્યું કે, ભારતીય મુસ્લિમો બાબરને પોતાનો આદર્શ નથી માનતા. ભારતીય મુસ્લિમો પયગંબર મુહમ્મદ અને સૂફી પરંપરાનું પાલન કરે છે, પણ મારો સવાલ છે કે, બાબરને અહીં કોણ લાવ્યું? રાણા સાંગાએ બાબરને ઇબ્રાહિમ લોદીને હરાવવા ભારત પર આક્રમણ કરવા નિમંત્રણ આપ્યું હતું. આ સંજોગોમાં મુસ્લિમોને બાબરના વંશજ કહેવામાં આવતા હોય તો હિન્દુઓ દેશદ્રોહી રાણા સાંગાના વંશજ ગણાવા જોઈએ. આપણે બાબરની ટીકા કરીએ છીએ, પણ રાણા સાંગાની ટીકા કેમ નથી કરતા?
કમનસીબી એ છે કે, ભારતના રાજકારણીઓ પોતાની મર્યાદા સમજતા નથી અને પોતાના સ્વાર્થ ખાતર બીજાને ગાળો દેવાની હલકી માનસિકતાનું પ્રદર્શન કર્યા કરે છે. રામજીલાલ સુમન તો છીંડે ચડેલા ચોર છે, બાકી આ માનસિકતા બધા રાજકારણીઓમાં છે. ભાજપ પણ જવાહરલાલ નહેરુ સહિતના કોંગ્રેસના નેતાઓને ગાળો આપીને એ ધંધો કરે જ છે ને?