ફાર્મિંગ થી ફેશનનો માર્ગ ખેડી કર્યું રેમ્પ વોક
મિસિસ રાજસ્થાન બનવા ખેતરની માટી ખંખેરી,આત્મવિશ્વાસથી ફેશનની ઝળહળાટ ભરી દુનિયામાં પહોંચ્યા લલિતા નેહરા
ખેતી કરવાની સાથે રિલ્સ જોતા જોતા લલિતા નેહરાની આંખોમાં ઊગ્યું સૌંદર્ય અને પરિધાનની દુનિયામાં મહાલવાનું સ્વપ્ન
રાજસ્થાનના એક નાનકડા ગામડામાં ઉજવણીનો માહોલ છે. બેન્ડવાજા, ઢોલ તથા શરણાઈઓના સૂર વાગી રહ્યા છે મહિલાઓ ગીતો ગાઈ રહી છે. કોઈ પણ જોનારને એમ થાય કે અહીં લગ્ન હશે પણ એવું નથી. કોઈએ કલ્પના પણ ન કરી હોય એવી ઘટના માટે ગામના લોકો ભેગા થયા છે.જે યુવતી સસરા અને પતિને ખેતીમાં મદદ કરતી હતી તે એક ફેશન શોમાં જીતીને ગામમાં આવી છે તેની ખુશીની આ ઉજવણી હતી. આ મહિલા એટલે મિસિસ રાજસ્થાન સૌંદર્ય સ્પર્ધાની આઠમી સીઝનમાં ફર્સ્ટ રનર અપ બનેલ લલિતા નેહરા. તેની આ સિદ્ધિ અનેક મહિલાઓ માટે પ્રેરણારૂૂપ છે. ફાર્મિંગ થી ફેશન સુધીની તેમની આ સફર કોઈ વાર્તા કે ફિલ્મથી કમ નથી.
રાજસ્થાનમાં ગ્રામ્ય જીવન જીવતી સામાન્ય મહિલા જેવું જ જીવન લલિતાનું પણ હતું.તે પતિ અને સસરાને ખેતીકામમાં મદદ કરતી,ઘર પરિવારની જવાબદારી સંભાળતી.નવરાશના સમયમાં મોબાઈલ ફોનમાં અલગ-અલગ રીલ જોતી વખતે એક વખત તેણે ફેશન શો વિશેની રીલ જોઈ.એ પછી નિયમિત રીતે તે રીલ જોતી અને ફોલો પણ કરતી. રોશનીના ઝળહળાટ અને રંગબેરંગી આકર્ષક વસ્ત્રો તેને ખૂબ આકર્ષતા.પોતે ક્યારેય કોઈ ફેશન શો કે કોમ્પિટિશનમાં ભાગ લીધો નહોતો એટલું જ નહીં ક્યારેય એવું વિચાર્યું પણ નહોતું આમ છતાં નિયમિત રિલ્સ જોવાના કારણે તેની આંખોમાં પણ રેમ્પ વોક કરવાનું અને સૌંદર્ય અને પરિધાનની એ દુનિયામાં મહાલવાનું સ્વપ્ન ઊગ્યું.આ સ્વપ્નના બીજને તેની બીમારીના સમયમાં પ્રોત્સાહનરૂૂપી પાણી અને આત્મવિશ્વાસનું ખાતર મળ્યું.
ત્રણેક વર્ષ પહેલાં લલિતાને રૂૂમેટાઈડ આર્થરાઇટિસ થયો. બીમારીના ઈલાજ માટે હોસ્પિટલમાં દાખલ થવું પડ્યું.આ સમય દરમિયાન તેણી મિસિસ રાજસ્થાન સ્પર્ધાના વીડિયો જોયા કરતી. સમય પસાર કરવાની પ્રવૃત્તિ જ તેને સફળતાના માર્ગે લઈ ગઈ.આ રીલ દ્વારા જ તેને સૌંદર્ય સ્પર્ધા વિશે જાણ થઈ. સ્પર્ધામાં ભાગ લેવા માટે શું કરવું, કઈ રીતે ફોર્મ ભરવું, ક્યાં જવું વગેરેની માહિતી તેણે એકઠી કરી.તેને પોતાને પણ આ સ્પર્ધામાં ભાગ લેવાનો વિચાર આવ્યો. આ વિચારે જ તેને સાજા થવા માટેનું પ્રેરકબળ આપ્યું.સાજા થઈને ઘરે આવ્યા બાદ તેણે સ્પર્ધા માટે ફોર્મ તો ભર્યું પરંતુ ઘરના લોકોને આ વાત કઈ રીતે કહેવી તેની મૂંઝવણ ઉભી થઇ.
પ્રારંભમાં પતિ સિવાય કોઈને જાણ ન કરી અને વિચાર્યું કે જો સ્પર્ધામાં આગળ વધીશ તો પરિવારને જાણ કરીશ. એક પછી એક પડાવ પાર થતા ગયા અને છેલ્લે એ પડાવ આવ્યો કે જ્યારે તેને પરિવારમાં જાણ કરવાની જરૂૂર લાગી.ફાઇનલ રાઉન્ડમાં પહોંચ્યા ત્યારે તેણે પરિવારને જાણ કરી અને સમગ્ર પરિવારમાં આનંદ મિશ્રિત આશ્ચર્યનું મોજું ફેલાઈ ગયું.પોતાની આ યાત્રા બાબત તેઓ જણાવે છે કે સ્પર્ધાના સાત દિવસના શેડ્યૂલ, જુદા-જુદા પ્રકારની પરીક્ષાઓ, જુદા-જુદા ટાસ્ક પાર પાડવા આ બધું સહેલું નહોતું.
પ્રથમ દિવસે પગમાં હિલ્સ પહેરીને ચાલવામાં મુશ્કેલી પડી.હિલ્સ પહેરીને ખૂબ પ્રેક્ટિસ કરી.દેખાવ તો સુંદર હતો જ પરંતુ આત્મવિશ્વાસની કમી હતી જે ટ્રેનિંગથી દૂર થઈ. સાત દિવસની ટ્રેનિંગ બાદ ખેતરની માટી વચ્ચે રહેતી, ટ્રેક્ટર ચલાવતી ખેડૂતની દીકરીને ખેતરની રાણીમાંથી ફેશનની રાણી બનાવી દીધી.લલિતા નેહરા માટે તેના માતા પ્રેરણા સ્ત્રોત છે.કોઈ ફિલ્મમાં કામની ઓફર આવશે તો તે સ્વીકારવા તે એકદમ તૈયાર છે.લલિતા નેહરાને ખૂબ ખૂબ શુભેચ્છાઓ.
સ્વપ્ના જુઓ અને પૂરા કરો
પોતાના સસરા અને પતિ સાથે ખેતરમાં ખભેખભો મિલાવીને કામ કરતી લલિતા મહિલાઓને સંદેશ આપતા જણાવે છે કે તમે શહેરમાં રહેતા હો કે ગામડામાં , તમે ગરીબ હો કે અમીર પણ સ્વપ્ના જોવાનું ન છોડો.મુશ્કેલીઓ આવશે,તકલીફો પણ આવશે પણ મક્કમ રહી તમારી મંઝિલ મેળવો. પરિવારની જવાબદારી સાથે તમારા કામને વળગી રહો.
સફળ બનીને દેખાડવું હતું
ખેતરમાં ટ્રેક્ટર ચલાવવું,ધૂળ અને માટી સાથે કામ કરવું,ગાયનો ઘાસચારો ભેગો કરવો,બીજ વાવવા,પાક લણવો આ બધાથી જોજનો દૂર હતી ફેશનની દુનિયા.ફેશનના ટ્રેન્ડ,ડિઝાઈનરોના વર્તન, રેમ્પ વોક આ બધું ખૂબ નવું લાગતું પરંતુ અંદરથી કંઇક કરવાની જે ઈચ્છા હતી તેના કારણે બધું ધીમે ધીમે શીખતી ગઈ.બધું ખૂબ અઘરું લાગતું ક્યારેક નિરાશ પણ થઈ જવાતું છતાં દિલમાં બસ એક જ ઈચ્છા હતી કે મારે કંઇક કરીને દેખાડવું છે,મારે સફળ બનીને દેખાડવું છે.