SCOના સંયુક્ત નિવેદન પર હસ્તાક્ષર કરવા ઇન્કાર કરી રાજનાથની ચીન-પાક.ને લપડાક
ચીનના કિંગદાઓમાં શાંઘાઈ સહયોગ સંગઠન (SCO) ની બેઠકમાં સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે ભાગ લીધો હતો. પૂર્વી લદ્દાખમાં વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC) પર લશ્કરી ગતિરોધ બાદ સંબંધોમાં બગાડ પછી સંરક્ષણ પ્રધાનની આ પહેલી ચીન મુલાકાત છે. આ દરમિયાન રાજનાથસિંહે આતંકવાદ, સુરક્ષા અને શાંતિ સહિત અનેક મુદ્દાઓ પર વાત કરી. આ બેઠકમાં પાકિસ્તાની સંરક્ષણ પ્રધાન ખ્વાજા આસિફ પણ હાજર હતા, જેમની સામે રાજનાથસિંહે આતંકવાદ પર જોરદાર પ્રહાર કર્યા.
મીટિંગ દરમિયાન, સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહે આતંકવાદ અને પહેલગામ પર ભારતનું વલણ મજબૂતીથી રજૂ કર્યું. પરિણામ એ આવ્યું કે બેઠક પછી કોઈ સંયુક્ત નિવેદન કે પ્રોટોકોલ જારી કરી શકાયું નહીં. પાકિસ્તાન અને ચીન આતંકવાદ પરથી ધ્યાન હટાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા, પરંતુ સંરક્ષણ પ્રધાને સંયુક્ત દસ્તાવેજ પર હસ્તાક્ષર કરવાનો ઇનકાર કર્યો, જેનાથી ભારતનું વલણ નબળું પડ્યું હોત. આ બેઠકમાં રાજનાથ સિંહ અને પાકિસ્તાની સંરક્ષણ પ્રધાન વચ્ચે કોઈ વાતચીત થઈ ન હતી.
પાકિસ્તાન પ્રાયોજિત આતંકવાદ પર રાજનાથ સિંહે કહ્યું, પએ જરૂૂરી છે કે જેઓ આતંકવાદને તેમના લોભી હેતુઓ માટે પ્રાયોજિત કરે છે, પોષે છે અને ઉપયોગ કરે છે તેમને પરિણામોનો સામનો કરવો પડે. કેટલાક દેશો સરહદ પારના આતંકવાદનો નીતિગત સાધન તરીકે ઉપયોગ કરે છે અને આતંકવાદીઓને આશ્રય આપે છે. આવા બેવડા ધોરણો માટે કોઈ સ્થાન હોવું જોઈએ નહીં. SCO એ આવા દેશોની ટીકા કરવામાં અચકાવું જોઈએ નહીં.રાજનાથ સિંહે કહ્યું, અમે સરહદપાર આતંકવાદ સહિત આતંકવાદના નિંદનીય કૃત્યોના ગુનેગારો, આયોજકો, નાણાકીય સહાયકો અને પ્રાયોજકોને જવાબદાર ઠેરવવાની અને તેમને ન્યાયના કઠેડામાં લાવવાની જરૂૂરિયાત પર ભાર મૂકીએ છીએ.
આતંકવાદનું કોઈપણ કૃત્ય ગુનાહિત અને ખોટું છે, પછી ભલે તેનો હેતુ ગમે તે હોય, ગમે ત્યારે, ગમે ત્યાં અને ગમે તે દ્વારા કરવામાં આવે. આ દુષ્ટતાની કડક અને ખુલ્લેઆમ નિંદા કરવી જોઈએ.