ઉત્તરાખંડ-હિમાચલ પ્રદેશમાં વરસાદનો કહેર: હાઇવે ધોવાયા, શાળાઓ અને કોલેજો બંધ
ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદને કારણે પુરની સ્થિતિ સર્જાય છે. ભારે વરસાદના કારણે અનેક લોકો ગૂમ હોવાના સમાચાર છે. આવી સ્થિતિમાં ચાર ધામ યાત્રાને ૨૪ કલાક માટે સસ્પેન્ડ કરવામાં આવી છે. ઉત્તરકાશી જિલ્લામાં વાદળ ફાટતા નવ મજૂરો પાણીમાં તણાતા ગૂમ થઇ ગયા છે. જ્યારે બે લોકોના મોત નિપજ્યા છે. આ ઘટના બાદ ચાર ધામ યાત્રાને સસ્પેન્ડ કરી દેવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. જ્યારે ગૂમ થયેલા મજૂરોની શોધખોળ હાથ ધરવામાં આવી છે.ઉત્તરાખંડના ઘણા જિલ્લાઓ માટે રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. લોકોને હવામાન સંપૂર્ણપણે સાફ ન થાય ત્યાં સુધી સાવચેત રહેવા અને બિનજરૂરી મુસાફરી ટાળવા વિનંતી કરવામાં આવી છે.
કેટલીક જગ્યાએ વાદળ ફાટવાની ઘટનાઓ પણ બની છે અને હવામાન વિભાગે ભારે વરસાદ માટે રેડ એલર્ટ જારી કર્યું છે. આજે ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશના ઘણા જિલ્લાઓમાં શૈક્ષણિક સંસ્થાઓમાં રજાનો આદેશ જારી કરવામાં આવ્યો છે.
ઉત્તરાખંડમાં સતત ત્રીજા દિવસે પણ હવામાનનો કહેર ચાલુ છે. હવામાન વિભાગે દેહરાદૂન, ઉત્તરકાશી, ટિહરી, પૌરી, રુદ્રપ્રયાગ, હરિદ્વાર, નૈનિતાલ, ચંપાવત અને ઉધમ સિંહ નગર સહિત કુલ 9 જિલ્લાઓમાં રેડ એલર્ટ જારી કર્યું છે. ભારે વરસાદ અને ભૂસ્ખલનના ભયને ધ્યાનમાં રાખીને, ચારધામ યાત્રા એક દિવસ માટે મુલતવી રાખવામાં આવી હતી, જે પુનઃસ્થાપિત કરવામાં આવી છે.
ગંગોત્રી અને યમુનોત્રી રાષ્ટ્રીય ધોરીમાર્ગના ઘણા ભાગોમાં ભારે ભૂસ્ખલન અને કાટમાળને કારણે રસ્તાઓ સંપૂર્ણપણે બંધ છે. નેતાલા, લાલદાંગ અને નલુનામાં ગંગોત્રી હાઇવે બંધ છે. બીજા દિવસે પણ સિલાઈ બંધ પાસે યમુનોત્રી માર્ગ બંધ છે. મોડી રાતથી સિરોબાગઢમાં બદ્રીનાથ હાઇવે બંધ છે અને બંને બાજુ સેંકડો વાહનો ફસાયેલા છે. રાજ્યની મુખ્ય નદીઓ ગંગા અને યમુના પણ પૂરમાં છે, જેના કારણે નીચલા વિસ્તારોમાં પૂરનું જોખમ વધી રહ્યું છે.
રુદ્રપ્રયાગ જિલ્લામાં પણ ભારે વરસાદે વિનાશ વેર્યો છે. સોનપ્રયાગમાં જ કેદારનાથ ધામ જતા શ્રદ્ધાળુઓને રોકવામાં આવ્યા છે. કેદારનાથ હાઇવેના વિજયનગર વિસ્તારમાં પર્વત પરથી પથ્થરો અને કાટમાળ પડતાં ઘણા વાહનોને નુકસાન થયું છે. દોબાતમાં ખડકો પડતાં આદિ કૈલાશ યાત્રાનો માર્ગ પણ ફરીથી બંધ થઈ ગયો છે. ધારચુલામાં રાતોરાત ભારે વરસાદને કારણે રસ્તો ખોલવાનું કામ ધીમું પડી ગયું છે.
9 કામદારો ગુમ, રાહત કાર્ય ચાલુ
ઉત્તરાખંડ જિલ્લાના સિલાઈ બંધ વિસ્તારમાં ભૂસ્ખલનને કારણે 9 કામદારો ગુમ થયાના અહેવાલ છે. જિલ્લા વહીવટીતંત્રના જણાવ્યા અનુસાર, SDRF, NDRF, મહેસૂલ વિભાગ, NH બરકોટા, આરોગ્ય વિભાગ અને પોલીસની ટીમો રાહત અને શોધ કાર્યમાં રોકાયેલી છે.
હિમાચલમાં પણ પરિસ્થિતિ વધુ વણસી: શાળાઓ બંધ
હિમાચલ પ્રદેશના 4 જિલ્લાઓ - કાંગડા, મંડી, સોલન અને સિરમૌરમાં રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. આ તમામ જિલ્લાઓમાં શૈક્ષણિક સંસ્થાઓમાં રજા જાહેર કરવામાં આવી છે. આ ઉપરાંત ઉના, બિલાસપુર, હમીરપુર, સોલન અને સિરમૌરમાં ઓરેન્જ એલર્ટ અને ચંબા, કુલ્લુ, મંડી અને શિમલામાં યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 31 લોકોના મોત થયા છે, 66 લોકો ઘાયલ થયા છે અને 4 લોકો ગુમ છે. તાજેતરમાં વાદળ ફાટવાના કારણે કાંગડા અને કુલ્લુમાં પૂર જેવી પરિસ્થિતિ સર્જાઈ હતી.
હિમાચલના મુખ્યમંત્રી સુખવિંદર સિંહ સુખુએ કહ્યું છે કે સરકાર પરિસ્થિતિ પર સતત નજર રાખી રહી છે અને તમામ નાગરિકોને સ્થાનિક વહીવટીતંત્રની સૂચનાઓનું પાલન કરવાની અપીલ કરી છે. તેમણે કહ્યું કે શાળાઓ બંધ રાખવાનો નિર્ણય વિદ્યાર્થીઓ અને સામાન્ય નાગરિકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે.