બે અગ્નિવીરોની શહીદી મુદ્દે મોદી સરકાર સામે રાહુલના વેધક સવાલ
પરિવારને વળતર, પેન્શન, સરકારી સુવિધા બાબતે સરકાર ઉપર પ્રહાર
મહારાષ્ટ્રનાં નાસિક ખાતે તાજેતરમાં જ અગ્નિવીરની તાલીમ સમયે ઈન્ડિયન ફિલ્ડ ગન (તોપ)માંથી ગોળો ફેંકતી વખતે અચાનક બ્લાસ્ટ થતાં બે તાલીમાર્થીએ જીવ ગુમાવ્યા હતાં.જેમાં જામકંડોરણા પંથકનાં આંચવડ ગામનાં વિશ્વરાજસિંહ મહિપતસિંહ ગોહિલ (ઉ.વ.20) પણ શહીદ થયાં હતા. હવે આ ઘટના મામલે લોકસભાના વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ બે અગ્નિવીરની શહીદી મુદ્દે એક્સ પર પોસ્ટ કરી છે. તેમણે ફરી અગ્નિવીર યોજના પર આંગળી ચીંધી વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ પર નિશાન સાધ્યું છે.
રાહુલ ગાંધીએ આજે એક્સ પર પોસ્ટ કરીને લખ્યું છે કે, નાસિકમાં ટ્રેનિંગ દરમિયાન બે અગ્નિવીર ગોહિલ વિશ્વરાજસિંહ અને સૈફત શિતનું નિધન એક દુ:ખદ ઘટના છે. તેમના પરિવારો પ્રત્યે મારી ઊંડી સંવેદના. આ ઘટના ફરી અગ્નિવીર યોજના પર ગંભીર સવાલો ઉભા કરે છે અને ભાજપ સરકાર પર તેનો જવાબ આપવામાં અસફળ થઈ છે.
કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ એક પછી એક પોસ્ટ કરીને કેન્દ્ર સરકારને અનેક સવાલો પૂછી જવાબ માંગ્યા છે. તેમણે કહ્યું કે, જે રીતે અન્ય જવાનોની શહીદી પર તેમના પરિવારને વળતર ચૂકવવામાં આવે છે, તે મુજબ ગોહિલ અને સૈફતના પરિવારોને સમયસર વળતર મળશે ? તેમણે મોદી સરકારને વધુ એક સવાલ કર્યો છે કે, નબંને સૈનિકોની જવાબદારી અને બલિદાન સમાન છે, તો પછી અગ્નિવીરોના પરિવારોને પેન્શન અને અન્ય સરકારી સુવિધાનો લાભ કેમ નહીં અપાય? તેમની શહીદી પર આ ભેદભાવ શા માટે?
રાહુલ ગાંધીએ અગ્નિપથ યોજના પર નિશાન સાધી કહ્યું કે, નઅગ્નિપથ યોજનાથી સેના સાથે અન્યાય કરવામાં આવ્યો છે અને આપણા વીર જવાનોનું અપમાન કરવામાં આવ્યું છે. વડાપ્રધાન અને સંરક્ષણ મંત્રીએ જવાબ આપવો જોઈએ કે, શા માટે એક સૈનિકનું જીવન બીજા સૈનિક કરતાં વધુ મૂલ્યવાન છે?