અમેઠી નહીં, વાયનાડથી જ ચૂંટણી લડશે રાહુલ
લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને કોંગ્રેસની કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધી સહિત ઘણા મોટા નેતાઓ હાજર રહ્યા હતા. સીઈસીની બેઠકમાં વિવિધ સ્ક્રીનીંગ કમિટીઓ દ્વારા મોકલવામાં આવેલા નામોમાંથી ઉમેદવારોના નામોને મંજૂરી આપવામાં આવી હતી.
સુત્રોના જણાવ્યા મુજબ કેરળની વાઈનાડની બેઠક પરથી એક માત્ર રાહુલનું નામ સુચવાયું હતું. તે જોતા તેમની ત્યાંથી ઉમેદવારી પાકી માનવામાં આવે છે. અગાઉ તેઓ અમેઠીથી ચુંટણી લડે તેવો અહેવાલ હતો.
કોંગ્રેસ કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠકમાં છત્તીસગઢના રાજનાંદગાંવથી ભૂપેશ બઘેલ અને કોરબા બેઠક પરથી જ્યોત્સના મહંતના નામ નક્કી કરવામાં આવ્યા છે. લોકસભા ચૂંટણી માટે કોંગ્રેસના ઉમેદવારોની પ્રથમ યાદી એકાદ દિવસમાં જાહેર થઈ શકે છે.
લોકસભા ચૂંટણી 2019માં કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ અમેઠી અને વાયનાડ એમ બે બેઠકો પરથી ચૂંટણી લડી હતી. અમેઠી બેઠક પર તેમને વર્તમાન કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની પાસેથી હારનો સામનો કરવો પડ્યો હતો. રાહુલ ગાંધીએ વાયનાડ સીટ જીતી હતી.