સુવર્ણ મંદિરમાં પંજાબના પૂર્વ નાયબ મુખ્યમંત્રીની હત્યાનો પ્રયાસ, જુઓ વિડીયો
દરવાનની સેવા દરમિયાન સુખબિરસિંહ બાદલ ઉપર બબ્બર ખાલસા ગ્રૂપ સાથે જોડાયેલા શખ્સે બે રાઉન્ડ ફાયર કર્યા, બાદલનો આબાદ બચાવ, હુમલાખોરને ઝડપી લેવાયો
પંજાબના અમૃતસરમાં આવેલા શીખ સંપ્રદાયના સૌથી પવિત્ર સ્થાન એવા સુવર્ણ મંદિર પરિસરના ગેઇટ પાસે પંજાબના પૂર્વ નાયબ મુખ્યમંત્રી સુખબિરસિંહ બાદલ ઉપર આજે સવારે એક શખ્સે ગોળીબાર કરી હત્યાનો પ્રયાસ કરતા ભારે નાસભાગ મચી જવા પામી હતી. ઘટના સ્થળે ઉપસ્થિત લોકોએ હુમલાખોરને સ્થળ પર જ ઝડપી લીધો હતો.
મળતી માહિતી મુજબ પંજાબના પુર્વ મુખ્યમંત્રી અને શિરોમણી અકાલીદળના નેતા સુખબીરસિંહ બાદલ આજે સવારે શીખોના પવિત્ર સ્થળ સુવર્ણ મંદિરના દરવાજે બેસી સેવા આપી રહ્યા હતા ત્યારે એક શખ્સે ત્યાં આવી પ્રથમ બાદલને પગે લાગ્યો હતો અને ત્યારબાદ બાદલ ઉપર બે રાઉન્ડ ગોળીબાર કરતા ઘટના સ્થળે નાસભાગ મચી ગઇ હતી.
આ ઘટનામાં સુખબીરસિંહ બાદલનો આબાદ બચાવ થયો હતો જયારે સ્થળ પર હાજર લોકોએ આરોપીને ઝડપી લઇ તેની પાસેથી રિવોલ્વર આંચકી લીધી હતી. પકડાયેલ શખ્સનું નામ નારાયણસિંહ ચૌડા હોવાનું અને તે બબ્બર ખાલસા ઇન્ટરનેશનલ ગૃપ સાથે જોડાયેલ હોવાનું જાણવા મળે છે.
પવિત્ર સુવર્ણ મંદિરમાં ગોળીબારની ઘટના બનતા અને પૂર્વ નાયબ મુખ્યમંત્રીની હત્યાનો પ્રયાસ થતા સ્થાનિક નેતાઓ અને ઉચ્ચ પોલીસ અધિકારીઓ સ્થળ પર દોડી ગયા હતા. પંજાબના મુખ્યમંત્રી ભગવત માને પણ સ્થાનિક અધિકારીઓ અને નેતાઓ સાથે વાત કરી ઘટનાની માહિતી મેળવી હતી તેમજ સુખબીરસિંહ બાદલના ખબર પુછયા હતા.
ઉલ્લેખનીય છે કે, સુખબીરસિંહ બાદલને વર્ષ 2007 થી 2017 દરમિયાન અકાલીદળની સરકારના શાસનમાં કરેલી ધાર્મિક ભુલો બદલ જથ્થેદાર શ્રી અકાલતખ્ત દ્વારા સુવર્ણ મંદિરમાં સાફ સફાઇ કરવા સહીતની સજા કરવામાં આવી હતી જેના ભાગરૂપે બાદલ છેલ્લા બે દિવસથી સુવર્ણ મંદિરમાં સેવા આપી રહ્યા છે.
સુખવિંદરસિંહ બાદલને પગમાં ફેકચર હોવાથી આજે તે સુવર્ણ મંદિરના દ્વાર ઉપર જ વ્હીલચેરમાં બેસીને દરવાન તરીકે સેવા આપી રહ્યા હતા તે દરમિયાન આ ઘટના બની હતી. જો કે, બાદલનો આબાદ બચાવ થયો હતો.
ફાયરિંગ કરનાર નારાયણસિંહ ચૌડા અગાઉ પાકિસ્તાનથી હથિયાર ઘુસાડવા અને જેલ તોડવા માટે ઝડપાયો હતો
પંજાબના પૂર્વ ઉપમુખ્યમંત્રી સુખબીરસિંહ બાદલ પર ફાયરીંગ કરનાર આરોપીનો ગુનાહિત ઇતિહાસ સામે આવ્યો છે. આ આરોપીનું નામ નારાયણસિંહ ચૌડા હોવાનું સામે આવ્યું છે. તે બબ્બર ખાલસા ઇન્ટરનેશન દળનો સભ્ય છે. આ ઉપરાંત તે ડેરાબાબા નાનક માર્કેટ કમિટીના ચેરમેનનો ભાઇ હોવાનું સામે આવ્યું છે. વર્ષ 1984માં તે પાકિસ્તાન ગયો હતો અને પાકિસ્તાનમાંથી પંજાબમાં હથિયારો અને વિસ્ફોટકોનું સ્મગલીંગ કરતો હતો. તેના પર બુડૈલ જેલ તોડવાનો પણ આરોપ છે. તેણે ગોરીલા યુધ્ધ પધ્ધતિ પર પુસ્તક પણ લખ્યું છે. નારાયણસિંહ અગાઉ પંજાબમાં જેલની હવા પણ ખાઇ ચુકયો છે.