આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી પૂજારાની નિવૃત્તિ: અનસંગ હીરો તરીકે હંમેશા યાદ રહેશે
લાંબા સમયથી ઉપેક્ષિત ચેતેશ્વર પૂજારાએ અંતે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિ લઈ લીધી. એક સમયે ભારતીય ક્રિકેટ ટીમના અત્યંત આધારભૂત બેટ્સમેન મનાતા આપણા ગુજરાતી પૂજારાને લગભગ છેલ્લાં બે વર્ષથી પસંદગીકારો દધ્યાનમાં જ નહોતા લેતા. પૂજારા જૂન 2023માં વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના રૂૂપમાં પોતાની છેલ્લી આંતરરાષ્ટ્રીય મેચ રમ્યા પછી તક જ નહોતી મળતી. પૂજારા ભારત માટે 5 વન ડે ઈન્ટરનેશનલ મેચો રમ્યા હતા અને તેમાં દેખાવ બહુ સારો નહોતો.
વન-ડે મેચોમાં પૂજારાએ 10.20ની સરેરાશથી કુલ 51 રન બનાવ્યા હતા. પૂજારા ભારત માટે કોઈ ટી-20 આંતરરાષ્ટ્રીય મેચ રમ્યા નહોતા તેથી વન ડે કે ટી-20માં તક મળે એવી આશા પૂજારાને પણ નહોતી પણ ટેસ્ટમાં પૂજારા ચોક્કસ ટીમમાં સ્થાનના હકદાર હતા છતાં અવગણના થતી હતી. ચેતેશ્વર પૂજારાની ઉંમર 37 વર્ષ છે તેથી હવે તક ના મળે તો બહુ રાહ જોવાનો મતલબ નથી એમ સમજીને પૂજારાએ અંતે આંતરરાષ્ટ્રીય ક્રિકેટને ઝાઝા જુહાર કરી દીધા.પસંદગીકારો વન ડાઉન બેટ્સમેન માટે પ્રયોગો પર પ્રયોગો કર્યા કરતા હતા પણ પોતાની ક્ષમતા સાબિત કરી ચૂકેલા પૂજારાને તક નહોતી મળતી.
ચેતેશ્વર જૂન 2023માં પોતાની છેલ્લી ટેસ્ટ મેચ રમ્યા પછી લગભગ સવા બે વર્ષમાં રમાયેલી 24 ટેસ્ટમાં બોર્ડના પસંદગીકારોએ વન ડાઉન તરીકે શુભમન ગિલ, સાઈ સુદર્શન, કરણ નાયર, વિરાટ કોહલી, દેવદત્ત પડિકલ અને કે.એલ. રાહુલને અજમાવ્યા છે. આ 6 ધુરંધરોએ મળીને 24 ટેસ્ટની 45 ઇનિંગ્સમાં માત્ર 31 રનની સરેરાશથી રન કર્યા જ્યારે પૂજારાની ટેસ્ટ કરીયરની એવરેજ જ 44 રનની છે. ટેસ્ટ ક્રિકેટમાં પૂજારા આંકડાની રીતે બધા કરતાં ચડિયાતા સાબિત થયા છે છતાં પસંદગીકારોએ તેમને ફરી તક ના આપી.ચેતેશ્વર પૂજારાએ 2010માં બેંગ્લૂરુમાં ઓસ્ટ્રેલિયા સામે ટેસ્ટ રમીને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રવેશ કર્યો હતો એ જોતાં તેમની આંતરરાષ્ટ્રીય કારકિર્દી 15 વર્ષ ચાલી. આ 15 વર્ષની કારકિર્દીમાં પૂજારા દિલથી દેશ માટે રમ્યા અને ભારતીય ટીમને કલ્પના ના કરી હોય એવા વિજયો અપાવ્યા પણ રોહિત શર્મા કે વિરાટ કોહલી જેવા પોતાના સમકાલીનો જેટલો જશ પૂજારાને કદી ના મળ્યો એ જોતાં પૂજારા ભારતના અનસંગ હીરો છે.
રાહુલ દ્રવિડ પર પણ ટેસ્ટના ખેલાડી હોવાનો સિક્કો વાગી ગયો પછી વન ડે મેચોમાં તક નહોતી મળતી. તક મળી પછી ? દ્રવિડે વન ડેમાં પણ પોતાની ઉપયોગિતા સાબિત કરી હતી. કમનસીબે ચેતેશ્વર પૂજારાના કેસમાં એવું ના થયું પણ તેના કારણે ચેતેશ્વરનું યોગદાન ઘટતું નથી. પૂજારાને ક્રિકેટ ચાહકો ભારતના એક મહાન ટેસ્ટ ક્રિકેટર તરીકે હંમેશાં યાદ રાખશે.