રણજી ટ્રોફીમાં બીજી સદી ફટકારી પૂજારાએ ટેસ્ટ ટીમ ઇન્ડિયામાં દાવો મજબૂત કર્યો
ભારતીય ટેસ્ટ ટીમમાંથી બહાર રહેલો ચેતેશ્વર પૂજારા સતત ટીમ ઈન્ડિયામાં વાપસીનો દાવો કરી રહ્યો છે. વર્ષ 2023માં આયોજિત વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ મેચમાં ભારતીય ટીમની હાર બાદ પુજારાને તેના ખરાબ ફોર્મના કારણે ટીમમાંથી બહારનો રસ્તો દેખાડવામાં આવ્યો હતો.
ત્યારથી તે સતત વાપસી કરવાનો પ્રયાસ કરી રહ્યો છે. હવે આ રણજી સિઝનમાં પૂજારાનું બેટ ઘણું સારું બોલતું જોવા મળી રહ્યું છે, જેના પછી તેણે પસંદગીકારોની માથાનો દુખાવો પણ વધારી દીધો છે. ઈંગ્લેન્ડ સામે ચાલી રહેલી ટેસ્ટ શ્રેણીની છેલ્લી ત્રણ મેચો માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત થવાની બાકી છે, જેમાં પૂજારાના ફોર્મની અવગણના કરવી પસંદગીકારો માટે સરળ કામ નથી.
રણજી ટ્રોફી 2024 સિઝનમાં એલિટ ગ્રુપ એ માં રાજસ્થાન અને સૌરાષ્ટ્ર વચ્ચે મેચ રમાઈ રહી છે. આ મેચના પ્રથમ દિવસે સૌરાષ્ટ્રની ટીમે 74ના સ્કોર સુધી ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી. અહીંથી ચેતેશ્વર પુજારાએ એક છેડેથી ઇનિંગ્સને સંભાળી અને ટીમને મજબૂત સ્થિતિમાં લઈ ગઈ. જોકે પૂજારાએ દિવસની છેલ્લી ઓવરના ત્રીજા બોલ પર 110ના વ્યક્તિગત સ્કોર પર પોતાની વિકેટ ગુમાવી દીધી હતી. સૌરાષ્ટ્રની ટીમે પ્રથમ દિવસે 4 વિકેટ ગુમાવીને 242 રન બનાવ્યા હતા. આ રણજી સિઝનમાં પૂજારાના બેટમાંથી આ બીજી સદી હતી.
વર્તમાન રણજી સિઝનમાં પૂજારા બે અડધી સદી અને એક બેવડી સદી ફટકારી ચૂક્યો છે. તેણે આ મેચ પહેલાં પાંચ મેચની આઠ ઇનિંગ્સમાં 76.86ની એવરેજથી 522 રન બનાવ્યા હતા. ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં પૂજારાની આ 62મી સદી નોંધાઈ છે.