વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સાંજે 'ધ સાબરમતી રિપોર્ટ' ફિલ્મ નિહાળશે, સંસદમાં યોજાશે સ્પેશિયલ સ્ક્રીનિંગ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સાંજે 4 વાગ્યે ફિલ્મ 'ધ સાબરમતી રિપોર્ટ' નિહાળશે. પીએમ મોદી આ ફિલ્મના વખાણ કરી ચૂક્યા છે. આ ફિલ્મમાં વિક્રાંત મેસી લીડ રોલમાં છે. આ ફિલ્મ ગુજરાતની જાણીતી ગોધરાની ઘટના પર આધારિત છે. PM નવી દિલ્હીના બાલયોગી ઓડિટોરિયમમાં આ ફિલ્મ જોશે.
ફિલ્મ ધ સાબરમતી રિપોર્ટ ગયા મહિને 15 નવેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. ફિલ્મની રિલીઝ દરમિયાન પીએમ મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ફિલ્મની પ્રશંસા કરી હતી એ સારી વાત છે કે હવે સત્ય બહાર આવી રહ્યું છે અને તે પણ એવી રીતે કે સામાન્ય લોકો પણ જોઈ શકે. નકલી વાર્તા માત્ર થોડા સમય માટે જ ચાલે છે. અંતે, હકીકતો બહાર આવે છે."
પીએમ મોદીએ એક પોસ્ટને રીટ્વીટ કરીને ફિલ્મની પ્રશંસા કરી હતી. ફિલ્મ સંબંધિત આ પોસ્ટ એક પત્રકાર દ્વારા કરવામાં આવી હતી. આ ફિલ્મ 2002માં ગોધરામાં બનેલી ટ્રેન સળગાવવાની ઘટના પર આધારિત છે.
પીએમ મોદી જ નહીં પરંતુ ગૃહમંત્રી અમિત શાહે પણ ફિલ્મ ધ સાબરમતી રિપોર્ટના વખાણ કર્યા છે. અમિત શાહ ગયા મહિને 22 નવેમ્બરે ફિલ્મના નિર્માતાઓને પણ મળ્યા હતા. ફિલ્મના નિર્માતાઓની તસવીર સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતી વખતે અમિત શાહે કહ્યું, "ધ સાબરમતી રિપોર્ટની ટીમને મળ્યો અને સત્ય બહાર લાવવાની હિંમત બદલ અભિનંદન આપ્યા."
કેન્દ્રીય ગૃહ મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે આ ફિલ્મ જૂઠાણા અને ભ્રામક તથ્યોને ઉજાગર કરે છે અને સત્યને બહાર લાવે છે જે રાજકીય હિતોને પૂરા કરવા માટે લાંબા સમયથી દબાવી દેવામાં આવ્યું હતું.