વડા પ્રધાન મોદીએ વિશ્વના સૌથી ઉંચા રેલવે બ્રિજ પર લહેરાવ્યો તિરંગો, ચિનાબ પુલનું ઉદ્ધાટન કરી જમ્મુ-કાશ્મીરને આપી મોટી ભેટ
પહેલગામ હુમલા બાદ આજે પહેલી વાર વડા પ્રધાન નરેન્દ્ર મોદી જમ્મુ અને કાશ્મીરની મુલાકાતે છે. અહીં તેમણે રિયાસી જિલ્લામાં બનેલા ચિનાબ પુલનું ઉદ્ઘાટન કર્યું. ચિનાબ બ્રિજ દુનિયાનો સૌથી ઊંચો રેલવે આર્ચ બ્રિજ છે, જે કાશ્મીર ઘાટીને આખા ભારત સાથે દરેક ઋતુમાં રેલ સંપર્ક પ્રદાન કરશે અને કટરા-શ્રીનગર યાત્રાનો સમય ઘટાડશે . પીએમ મોદી જે રીતે ત્રિરંગો લહેરાવતા ચિનાબ નદી કિનારે ચાલ્યા, તેનાથી પડોશી દેશો ચીન અને પાકિસ્તાન સહિત સમગ્ર વિશ્વને સંદેશ મળ્યો કે આ નવા યુગનું ભારત છે.
આ પુલ ચિનાબ નદી પર બનેલો છે અને તેને વિશ્વનો સૌથી ઊંચો રેલ્વે પુલ માનવામાં આવે છે. આ પુલ ઉધમપુર-શ્રીનગર-બારામુલ્લા રેલ લિંક પ્રોજેક્ટનો એક મહત્વપૂર્ણ ભાગ છે. ચિનાબ પુલની ઊંચાઈ 359 મીટર (લગભગ 1,178 ફૂટ) છે, જે એફિલ ટાવર કરતા પણ ઊંચી છે. સ્ટીલ અને કોંક્રિટથી બનેલો આ પુલ માત્ર એન્જિનિયરિંગની દ્રષ્ટિએ મહત્વપૂર્ણ નથી, પરંતુ કાશ્મીર ખીણને બાકીના ભારત સાથે રેલ દ્વારા જોડવાની દિશામાં એક ઐતિહાસિક પગલું પણ છે. ઉદ્ઘાટન પહેલાં, પીએમ મોદીએ ચિનાબ રેલ બ્રિજનું નિરીક્ષણ કર્યું અને બાંધકામ કાર્યમાં સામેલ ઇજનેરો અને કામદારો સાથે વાતચીત કરી, તેમણે આ અભૂતપૂર્વ એન્જિનિયરિંગ પ્રોજેક્ટના ટેકનિકલ પાસાઓ વિશે પૂછપરછ કરી.
આ 1,315 મીટર લાંબો પુલ ભૂકંપ અને ભારે પવનનો સામનો કરવા સક્ષમ છે. આ પુલ ઉધમપુર-શ્રીનગર-બારામુલ્લા રેલ્વે રૂટનો એક ભાગ છે અને તેના કાર્યરત થવાથી જમ્મુથી કાશ્મીર ખીણ સુધીની રેલ કનેક્ટિવિટીમાં મોટો ફેરફાર આવશે.
વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનોને પણ લીલી ઝંડી મળી
પીએમ મોદીએ આજે શ્રી માતા વૈષ્ણો દેવી કટરા (SVDK) થી શ્રીનગર વચ્ચે વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનોને પણ લીલી ઝંડી આપી. આ પ્રસંગે, ટ્રેનના લોકો પાયલટ, રામપાલ શર્માએ ઊંડી લાગણીઓ વ્યક્ત કરી. તેમણે કહ્યું કે આ ટ્રેન ફક્ત પરિવહનનું સાધન નથી, પરંતુ એક સ્વપ્ન છે જે દેશે સાકાર થતું જોયું છે.