મંદિરમાં નમાજ પઢનારા મુસ્લિમ કેરટેકરની વહારે આવતા પૂજારી, જામીન પર છોડાવ્યો
ઉત્તર પ્રદેશના બદાયૂંમાં સ્થિત એક મંદિરમાં નમાઝ પઢવાનો વીડિયો વાઈરલ થયા બાદ ધરપકડ કરવામાં આવેલા મુસ્લિમ કેરટેકરના ખુદ મંદિરના પુજારીએ જામીન કરાવ્યા છે. મંદિરના પુજારીએ મુસ્લિમ કેરટેકર અલી મોહમ્મદનો વીડિયો ઉતારી વાઈરલ કરનારા અજાણ્યા વ્યક્તિની ટીકા કરી હતી. તેમજ કહ્યું હતું કે, એમાં ખોટું શું છે, તે 35 વર્ષથી મંદિરની સેવા કરે છે. તે તમામ ધર્મનું સન્માન કરે છે. મંદિર જ તેનું ઘર છે.
પૂજારીએ જણાવ્યું હતું કે, અલી મોહમ્મદનો છુપાઈને વીડિયો ઉતારનારા વ્યક્તિને શોધી તેની વિરૂૂદ્ધ કાર્યવાહી હાથ ધરવામાં આવશે. ગ્રામ પંચાયત તેની વિરૂૂદ્ધ પગલાં લેશે. ત્રણ દાયકાથી વધુ સમયથી મંદિરમાં સારસંભાળની સેવા આપતા અલી મોહમ્મદ વિરૂૂદ્ધ ધર્મનું અપમાન કરવાના ઇરાદાથી પૂજા સ્થળને અપવિત્ર કરવાનો આરોપ મૂકાયો હતો. તેને 14 દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલવામાં આવ્યો હતો.
બદાયું જિલ્લાના દહરપુર કલા ગામનો 60 વર્ષીય રહેવાસી અલી છેલ્લા 35 વર્ષથી બ્રહ્મદેવ મહારાજ મંદિર સાથે જોડાયેલો છે. તે પરિવારથી અલગ થયા બાદ મંદિરમાં જ સેવા કરતો હોય છે. મંદિરને પોતાનું ઘર માને છે. તે મંદિરની આસપાસના જાનવરોને ભોજન આપવું, મંદિરની સફાઈ, આરતી-પૂજામાં મદદ સહિતની સેવા કરતો હોય છે.
અલી મંદિરના પ્રાંગણમાં આવેલા ઝાડની નજીક નમાજ પઢે છે. જો કે, બે મહિના પહેલાં કોઈ અજાણી વ્યક્તિએ તેનો નમાજ પઢતો વીડિયો ઉતારી વાઈરલ કર્યો હતો. જેથી લોકોએ અલીનો વિરોધ કરતાં ધાર્મિક લાગણી દુભાવવાનો આરોપ મૂકતાં ધરપકડ થઈ હતી.
અલીએ સ્થાનિકો, ગ્રામજનોની આ મામલે માફી પણ માગી હતી. મંદિરના પુજારીએ જ તેની જામીન કરાવી તેને છોડાવ્યો હતો. તેમજ અલી મોહમ્મદે કંઈ જ ખોટું કર્યું ન હોવાનું જણાવ્યું હતું કે, પ્રેમાનંદ દાસે જણાવ્યું હતું કે, માનવતા તમામ ધર્મથી ઉપર છે. દિવાળીમાં આ મંદિરમાં જુદા-જુદા ધર્મના લોકો દર્શન કરવા આવે છે. અલી તમામ ધર્મનો આદર કરે છે.
તેણે કોઈ ગુનો કર્યો નથી. તેણે ક્યારેય કોઈ ધાર્મિક લાગણી દુભાવવાનો પ્રયાસ કર્યો નથી. અમે અલીની સાથે છીએ.અલીએ જામીન પર છૂટ્યા બાદ જણાવ્યું હતું કે, આ મંદિર જ મારુ આશ્રય છે. અહીં મને શાંતિ મળે છે. મેં અહીં સેવા કરવા માટે મારો પરિવાર છોડ્યો છે. હું મંદિરમાંથી ત્રણ ટંકનું ભોજન મેળવું છું. કપડાં પણ મળે છે. મેં ક્યારેય કોઈ ગુનો કર્યો નથી. મેં ક્યારેય આ સ્થળને અપવિત્ર કરવાનો પ્રયાસ કર્યો નથી.