દયાનંદ સરસ્વતીની જન્મજયંતી નિમિત્તે રાષ્ટ્રપતિ ટંકારા આવશે
આર્યસમાજના સ્થાપક સ્વામી દયાનંદ સરસ્વતીની આગામી 12મી ફેબ્રુઆરી જન્મજયંતિ નિમિત્તે ટંકારા ખાતે ભવ્ય પોગ્રામ રાખવામાં આવ્યો છે ત્યારે આ કાર્યક્રમમાં રાષ્ટ્રપતિ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેનાર હોય તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. રાષ્ટ્રપતિ રાજકોટ એરપોર્ટ ખાતે ટૂંકુ રોકાણ કર્યા બાદ હેલિકોપ્ટર દ્વારા ટંકારા જનાર હોવાનું જાણવા મળ્યું છે.
આગામી 12મી ફેબ્રુઆરીએ સ્વામી દયાનંદ સરસ્વતીની જન્મજયંતિ હોય અને ટંકારા ખાતે તેમનો જન્મ થયેલ હોય આર્ય સમાજનાં સ્થાપક દયાનંદ સરસ્વતીની જન્મજયંતિ નિમિત્તે ટંકારા ખાતે ભવ્ય પોગ્રામ રાખવામાં આવ્યો છે. જેમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી ર્મુમુ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેનાર છે. રાષ્ટ્રપતિ 12મી ફેબ્રુઆરીએ દિલ્હીથી રાજકોટનાં ઈન્ટરનેશનલ એરપોર્ટ ખાતે સવારે આવી પહોંચશે અને ત્યાંથી હેલિકોપ્ટર મારફત ટંકારા કાર્યક્રમમાં હાજરી આપશે જ્યારે ટંકારા ખાતે જાહેરસભાનું પણ આયોજન કરવામાં આવ્યું છે.
રાષ્ટ્રપતિની સાથે ગૃહમંત્રી અમીત શાહ, ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત સહિતના મહાનુભાવો પણ ઉપસ્થિત રહેનાર હોય રાજકોટ અને ટંકારા ખાતે તેમના કાર્યક્રમની તડામાર તૈયારીઓ ચાલી રહી છે.