રાષ્ટ્રપતિ મુર્મુએ અંબાલા સ્ટેશનેથી ફર્સ્ટ લેડી પાઇલટ શિવાંગી સિંહ સાથે ઉડાન ભરી
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ હરિયાણાના અંબાલા વાયુસેના સ્ટેશન ખાતેથી રાફેલ લડાકુ વિમાનમાં સફળતાપૂર્વક ઉડાન ભરી. આ ઐતિહાસિક ઉડાન દરમિયાન સ્ક્વોડ્રન લીડર શિવાંગી સિંહ તેમની સાથે હતાં. નોંધનીય છે કે, સ્ક્વોડ્રન લીડર શિવાંગી સિંહ ભારતીય વાયુસેનાના પ્રથમ મહિલા રાફેલ પાઇલટ છે.
રાફેલ વિમાનમાં ચઢતા પહેલાં, રાષ્ટ્રપતિ મુર્મુએ ખાસ G-Suit પહેર્યો હતો. બપોરે 11.27 કલાકે વિમાને ઉડાન ભરતા પહેલાં, રાષ્ટ્રપતિએ પ્લેનની અંદરથી હાથ હલાવીને સૌનું અભિવાદન કર્યું હતું. એર ચીફ માર્શલ એ પી સિંહે પણ તેમની સુરક્ષા માટે અન્ય એક વિમાનમાં અહીંથી ઉડાન ભરી હતી.
વાયુસેનાના સર્વોચ્ચ કમાન્ડર તરીકે રાષ્ટ્રપતિ મુર્મુને એરબેઝ પર ગાર્ડ ઓફ ઓનર પણ આપવામાં આવ્યું હતું.
આ પહેલાં, 8 એપ્રિલ 2023ના રોજ તેમણે આસામના તેજપુર વાયુસેના સ્ટેશન પરથી સુખોઈ-30 MKI લડાકુ વિમાનમાં ઉડાન ભરી હતી. તેઓ સુખોઈ ઉડાવનારા ત્રીજા રાષ્ટ્રપતિ બન્યા હતા. અગાઉ, પૂર્વ રાષ્ટ્રપતિ એપીજે અબ્દુલ કલામ અને પ્રતિભા પાટીલે પણ આ સિદ્ધિ મેળવી હતી.
