NDAના સાથી પક્ષોને બેઠકો ફાળવણીની ફોર્મ્યુલા તૈયાર
- ભાજપ પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમાં ઉમેદવારો અંગે પરોઢિયા સુધી મનોમંથન
- યુ.પી.માં 6, આસામમાં 3, ઝારખંડમાં 1 બેઠક સાથી પક્ષોને ફાળવશે ભાજપ
ભારતીય જનતા પાર્ટીની કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક ગુરૂૂવારે મોડી રાત સુધી પાર્ટીના હેડક્વાર્ટર પર ચાલી રહી હતી, જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત સમિતિના સભ્ય સામેલ થયા. એવું માનવામાં આવી રહ્યું છે કે બેઠક એપ્રિલ-મે મહિનામાં યોજાનારી લોકસભા ચૂંટણી માટે પાર્ટી ઉમેદવારોના પ્રથમ લિસ્ટને અંતિમ સ્વરૂૂપ આપવા પર મંથન કરવામાં આવ્યું. સુત્રો જણાવી રહ્યા છે કે ભાજપે 2019માં હારનારી સીટો પર વિશેષ ધ્યાન આપવાની યોજના બનાવવામાં આવી છે, તેની પર ઉમેદવારોના નામનું પ્રથમ લિસ્ટ સામે આવી શકે છે.
ભાજપ અધ્યક્ષ જે.પી.નડ્ડા અને કેન્દ્રીય મંત્રી અમિત શાહ અને રાજનાથ સિંહે પણ બેઠકમાં ભાગ લીધો, જેમાં પાર્ટીએ ચૂંટણી પંચ દ્વારા 543 લોકસભા સીટ પર ચૂંટણીની જાહેરાત કર્યા પહેલા પોતાના ઉમેદવારોના નામ પર વિચાર કર્યો.
ભાજપ હેડક્વાર્ટરમાં થઈ રહેલી બેઠકમાં અલગ અલગ રાજ્યોના નેતા પણ સામેલ થયા, જેમાં ઉત્તરપ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ, ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ, મધ્યપ્રદેશના મુખ્યપ્રધાન મોહન યાદવ, છત્તીસગઠના સીએમ વિષ્ણુ દેવ સાંઈ, ઉત્તરાખંડના મુખ્યપ્રધાન પુષ્કર સિંહ ધામી અને ગોવાના મુખ્યપ્રધાન પ્રમોદ સાવંત પણ સામેલ થયા.
સુત્રોના જણાવ્યા મુજબ પોતાના ઉમેદવારો જારી કરતાં પહેલા ભાજપે એનીડીએના સહયોગી પક્ષો સાથે વહેંચણીની ફોર્મ્યુલા તૈયાર કરી છે. એ મુજબ યુપીની 80માંથી 6 બેઠકો સહયોગી પક્ષોને અપાશે. આ 6 પૈકી બબ્બે આરએસડી અને અપક્ષ દલને અને 1-1 બેઠક ઓ.પી. રાજભરના પક્ષને તથા નિષાદ પાર્ટીને અપાશે. ઝારખંડમાં પણ એક બેઠક સહયોગી પક્ષને અપાશે.
આસામમાં 14 પૈકી ત્રણ બેઠકો સહયોગી પક્ષોને અપાશે. તેમાં આસુને બે અને ઉલ્ફા સંગઠનના પક્ષને એક બેઠક અપાશે. બિહાર મામલે હજુ કોઇ નિર્ણય જાહેર કરાયો નથી. હરિયાણામાં સહયોગી સાથે સરકાર ચાલતી હોવા છતાં પક્ષ એકલા હાથે ચુંટણી લડવાના મુડમાં છે.
આજે ભાજપના ચૂંટણી સંયોજકોની બેઠક: ગુજરાતના નેતાઓ ભાગ લેશે
ગઇ મધરાત સુધી ચાલેલી ભાજપ ચુંટણી સમિતિની બેઠક બાદ આજે ભાજપ અધ્યક્ષ જે.પી. નડ્ડાની અધ્યક્ષતામાં તમામ રાજયોના ચુંટણી સંયોજકોની બેઠક યોજાવા જઇ રહી છે. ગુજરાતમાં નીમાયેલા ચુંટણી સંયોજકો આઇ.કે. જાડેજા તથા જયરાજસિંહ ચૌહાણ અને સહસંયોજકો જગદીશ પટેલ, ભરત આર્યા અને પ્રદીપ પરમાર બેઠકમાં ભાગ લેવા દિલ્હી પહોંચી ગયા છે.