ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણીની તૈયારી શરૂ, કે.લક્ષ્મણ મુખ્ય અધિકારી
જે.પી. નડ્ડાનો 3 વર્ષનો કાર્યકાળ પૂરો થતા 1 ડીસે.થી ચૂંટણી શરૂ થશે,
ત્રણ સભ્યોની રાષ્ટ્રીય સમિતિ બનાવાઇ
ભારતીય જનતા પાર્ટીમાં નવા પ્રમુખની પસંદગીની પ્રક્રિયા શરૂૂ થવાની છે. પાર્ટીએ સંસદીય બોર્ડના સભ્ય કે લક્ષ્મણને રાષ્ટ્રીય ચૂંટણી અધિકારી તરીકે નિયુક્ત કર્યા છે. હાલ ભાજપની કમાન રાજ્યસભાના સાંસદ જગત પ્રકાશ નડ્ડા પાસે છે. ખાસ વાત એ છે કે સર્વસંમતિથી ચૂંટાયેલા ભાજપ અધ્યક્ષનો કાર્યકાળ 3 વર્ષનો હોય છે. નડ્ડાએ જૂન 2019માં આ પદ સંભાળ્યું હતું.
એક ન્યુઝ ચેનલના અહેવાલમાં ભાજપના સૂત્રોને ટાંકીને કહેવામાં આવ્યું છે કે પ્રદેશ પ્રમુખોની ચૂંટણીની પ્રક્રિયા 1 ડિસેમ્બરથી શરૂૂ થશે. સમિતિ રાજ્ય સ્તરેથી ચૂંટણીની શરૂૂઆત કરશે. આ દરમિયાન મંડળ, જિલ્લા અને ત્યારબાદ પ્રદેશ પ્રમુખની પસંદગી કરવામાં આવશે. જિલ્લા પ્રમુખ અને પ્રદેશ સમિતિની ચૂંટણી બાદ પ્રદેશ પ્રમુખ અને રાષ્ટ્રીય સમિતિના સભ્યોની ચૂંટણી કરવામાં આવશે.
પ્રદેશ સમિતિના સભ્યો પ્રદેશ પ્રમુખની પસંદગી કરશે. સાથે જ રાષ્ટ્રીય સમિતિના સભ્યો રાષ્ટ્રીય અધ્યક્ષની પસંદગી કરશે.ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ અરુણ સિંહ દ્વારા જારી કરાયેલા એક નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે રાજ્યસભાના સભ્ય નરેશ બંસલ, લોકસભાના સભ્ય સંબિત પાત્રા અને પાર્ટીના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રેખા વર્મા સંગઠનની ચૂંટણી માટે રાષ્ટ્રીય સહ-પ્રભારી હશે. સિંહે કહ્યું કે ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાએ સંગઠનની ચૂંટણીઓ માટે આ નિમણૂકોને લીલી ઝંડી આપી દીધી છે અને તે તાત્કાલિક અસરથી અમલમાં આવશે.
લક્ષ્મણ ઉત્તર પ્રદેશથી પાર્ટીના રાજ્યસભાના સભ્ય અને પાર્ટીના ઓબીસી મોરચાના અધ્યક્ષ છે. આ દિવસોમાં ભાજપમાં સદસ્યતા અભિયાન ચાલી રહ્યું છે અને તે પૂર્ણ થયા બાદ નવા પ્રમુખની ચૂંટણીની પ્રક્રિયા શરૂૂ થશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 2 સપ્ટેમ્બરના રોજ સભ્યપદ અભિયાનની શરૂૂઆત કરી હતી. ચૂંટણી પ્રક્રિયા ડિસેમ્બરમાં અથવા આવતા વર્ષની શરૂૂઆતમાં શરૂૂ થઈ શકે છે.
નડ્ડાને જૂન 2019માં બીજેપીના કાર્યકારી અધ્યક્ષ અને જાન્યુઆરી 2020માં પૂર્ણકાલીન અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા. આ વર્ષે ફેબ્રુઆરીમાં તેમનો કાર્યકાળ જૂન 2024 સુધી લંબાવવામાં આવ્યો હતો.ત્રીજી વખત વડાપ્રધાન બન્યા બાદ નડ્ડાને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમની કેબિનેટમાં સામેલ કર્યા હતા અને તેમને સ્વાસ્થ્ય મંત્રી બનાવવામાં આવ્યા હતા. ભાજપમાં પણ એક વ્યક્તિ, એક પદનો નિયમ છે, જેના કારણે તેમણે પ્રમુખ પદ છોડવું પડશે.
ભાજપના બંધારણ મુજબ ઓછામાં ઓછા 50 ટકા રાજ્યોમાં સંગઠનની ચૂંટણીઓ યોજાય પછી જ રાષ્ટ્રીય અધ્યક્ષની પસંદગી થઈ શકે છે. ભાજપ અધ્યક્ષનો કાર્યકાળ ત્રણ વર્ષનો હોય છે અને તેમની ચૂંટણી સર્વસંમતિથી થાય છે.