જોધપુરમાં નવનિર્મિત BAPS મંદિરનો 25મીએ પ્રતિષ્ઠા મહોત્સવ
રાજસ્થાનના જોધપુર શહેરમાં કાલીબેરી, સુરસાગર સ્થિત નવનિર્મિત બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિરની તૈયારીઓ હવે અંતિમ ચરણમાં પહોંચી ગઈ છે. આ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ આગામી 25 સપ્ટેમ્બરના રોજ બી.એ.પી.એસ. સંસ્થાના વડા અને આધ્યાત્મિક ગુરુ મહંત સ્વામી મહારાજના કરકમળો દ્વારા સંપન્ન થવા જઈ રહ્યો છે. આ મહોત્સવ નિમિત્તે ગુરૂૂહરિ મહંત સ્વામી મહારાજનું 19 સપ્ટેમ્બરે જોધપુર શહેરમાં આગમન થશે અને તેઓ 10 દિવસ સુધી જોધપુર મુકામે બિરાજી સત્સંગલાભ આપશે.
આ ભવ્ય મંદિરના ઉદ્દઘાટન સમારોહના ઉત્સવમાં માત્ર રાજસ્થાન કે ભારતમાંથી જ નહીં, પરંતુઅમેરિકા, ઇંગ્લેન્ડ, ફ્રાન્સ, ઓસ્ટ્રેલિયા અને આફ્રિકાના વિવિધ દેશોમાંથી મોટી સંખ્યામાં હરિભક્તો આ પ્રતિષ્ઠા મહોત્સવમાં ભાગ લેવા પધારશે.
આ સંપૂર્ણ વ્યવસ્થાને સુચારુ રૂૂપથી ચલાવવા માટે અહીં અનેક સેવા વિભાગોની રચના કરવામાં આવી છે. મંદિરમાં હાલ લગભગ 35 જેટલા વિવિધ સેવા વિભાગો કાર્યરત છે, જેમાં પાર્કિંગ વ્યવસ્થા, સભા વ્યવસ્થા, સુશોભન વ્યવસ્થા, ટ્રાન્સપોર્ટ વ્યવસ્થા, પ્રેસ વ્યવસ્થા, પૂછપરછ વગેરેનો સમાવેશ થાય છે. આ તમામ વિભાગોના લગભગ 1000 જેટલા પુરુષ અને મહિલા સ્વયંસેવકો પૂરા સમર્પણભાવ સાથે પોતપોતાના ક્ષેત્રમાં સેવા કરી રહ્યા છે. શહેરના વહીવટીતંત્રે પણ વ્યવસ્થામાં પ્રશંસનીય સહયોગ આપ્યો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે આ મંદિરના મૂર્તિપ્રતિષ્ઠા ઉત્સવ પૂર્વે 23 સપ્ટેમ્બરના રોજ એક વિરાટ વિશ્વશાંતિ મહાયજ્ઞ સંપન્ન થશે, જેમાં દેશ-વિદેશથી આવેલા યજમાન ભક્તો લાભ લેશે. આ યજ્ઞમાં સમગ્ર વિશ્વમાં શાંતિ પ્રસરે એ માટે પ્રાર્થના કરી,હોમ અર્પણ કરવામાં આવશે.24 સપ્ટેમ્બરના રોજ બપોરે 2 વાગ્યાથી મંદિરમાં પ્રતિષ્ઠિત થનાર મૂર્તિઓની ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં હજારોની સંખ્યામાં ભક્તો ભાગ લેશે. 25 સપ્ટેમ્બરે મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા વિધિ સંપન્ન થશે.