જ્ઞાતિવાદ-રેવડી કલ્ચરથી અલગ મુદ્દે ચૂંટણી લડેલા પ્રશાંત કિશોરની પાર્ટીનો રકાસ
મહારાષ્ટ્ર અને ઝારખંડ વિધાનસભાની ચૂંટણીની સાથે સાથે દેશનાં કેટલાંક રાજ્યોમાં વિધાનસભાની કેટલીક બેઠકોની પેટાચૂંટણી પણ યોજાઈ હતી. આ રાજ્યોમાં બિહાર પણ એક હતું. બિહારમાં વિધાનસભાની 4 બેઠકો માટે ચૂંટણી થયેલી ને આ ચૂંટણી એ રીતે મહત્ત્વની હતી કે, પહેલી વાર ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોરની જનસુરાજ પાર્ટી ચૂંટણીના મેદાનમાં ઊતરી હતી. દેશના ઘણા રાજકીય પક્ષોને સત્તા સુધી પહોંચાડવાની વ્યૂહરચના ઘડી આપવાનો યશ જેમને અપાય છે એ પ્રશાંત કિશોર પોતાના માટે જીતની વ્યૂહરચના બનાવી શકે છે કે નહીં અને તેમની પાર્ટી કેવું પ્રદર્શન કરે છે તેના પર તેમની નજર હતી. પ્રશાંત કિશોરે ખાઈ બદેલા રાજકીય પક્ષોથી અલગ જ મુદ્દા ઉઠાવ્યાં હતાં. પ્રશાંત કિશોરે છેલ્લા બે વર્ષમાં સમગ્ર બિહારનો પ્રવાસ કર્યો છે અને બે વર્ષ સુધી જનસુરાજ યાત્રા કાઢીને બિહારના મોટા ભાગનાં ગામોને આવરી લીધાં હતાં.
પી.કે. લોકોને કહેતા કે, બિહારના રાજકીય પક્ષો અને નેતાઓએ બિહારમાં લોકોને નહીં પણ તેમના પરિવારોને ફાયદો કરાવીને તેમની રાજકીય મહત્વાકાંક્ષાઓ પૂરી કરી છે. પ્રશાંત કિશોરે પેટાચૂંટણી પણ અલગ મુદ્દા પર જ લડી હતી. પ્રશાંત કિશોરે બિહારની પેટાચૂંટણીમાં લોકોને જ્ઞાતિ અને ચોખાના આધારે મતદાન નહી કરવાની અપીલ કરીને કહ્યું હતું કે તેઓ બિહારને જ્ઞાતિ અને ચોખાના નામે મતદાનના વિષચક્રમાંથી બહાર કાઢવા માગે છે. પી.કે.ની દલીલ હતી કે, લાલુ પ્રસાદ અને નીતિશ કુમારે બિહારને 35 વર્ષ સુધી જ્ઞાતિવાદની જાળમાં ગૂંચવાયેલું રાખ્યું.
હવે છેલ્લાં10 વર્ષથી વડા પ્રધાન નરેન્દ્ર મોદી મહિને મફતમાં 5 કિલો ચોખા (રાશન) આપીને તમારી સાથે છેતરપિંડી કરી રહ્યા છે. જો તમે તમારા અને તમારા બાળકોનું સારું ભવિષ્ય ઇચ્છતા હો તો તમારે જ્ઞાતિ અને ચોખાના નામે મતદાન કરવાનું બંધ કરવું જોઈએ. કમનસીબે આ બધા મુદ્દા લોકોને બહુ સ્પર્ધાર્યા નથી અને પ્રશાંત કિશોર માટે પ્રથમ ગ્રાસે જ મક્ષિકા જેવો ઘાટ થયો છે. બિહારની પેટાચૂંટણીના પરિણામો પ્રશાંત કિશોર માટે અત્યંત ખરાબ આવ્યાં છે એવું તો ના કહી શકાય કેમ કે બે બેઠકો પર તેમના ઉમેદવારો નોંધપાત્ર મતો લઈ ગયા છે પણ જીત્યા ક્યાંય નથી. આપણે ત્યાં ઘણા રાજકીય પક્ષો પહેલી ચૂંટણીમાં સાવ ખરાબ દેખાવ કરીને ધીરે ધીરે આગળ વધ્યાં હોય એવું બન્યું છે. બહુજન સમાજ પાર્ટી સહિતના ઘણા પક્ષો પહેલી વાર લયા ત્યારે ધોવાઈ ગયા હોય ને પછી સત્તા કબજે કરી હોય એવા દાખલા પણ છે. પ્રશાંત કિશોર એ રસ્તે આગળ વધે છે કે પછી મોટા ભાગના રાજકીય પક્ષોની જેમ ખોવાઈ જાય છે એ સમય કહેશે.