દહેજ જેવી પ્રથાથી લગ્નનો પવિત્ર સંબંધ વ્યવસાયિક લેવડદેવડ બની ગયો છે: સુપ્રીમ
સુપ્રીમ કોર્ટે શુક્રવારે દહેજની સામાજિક બદી પર સખત ટિપ્પણી કરતાં કહ્યું કે, લગ્ન એ પરસ્પર વિશ્વાસ, સહચર્ય અને સન્માન પર આધારિત એક પવિત્ર અને ઉત્તમ વ્યવસ્થા છે, પરંતુ દુર્ભાગ્યવશ, દહેજની માંગને કારણે આ પવિત્ર સંબંધ હવે માત્ર વ્યવસાયિક લેવડ-દેવડ બનીને રહી ગયો છે. જસ્ટિસ બી.વી. નાગરત્ના અને જસ્ટિસ આર. મહાદેવનની બેન્ચે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, દહેજ હત્યા એ માત્ર એક વ્યક્તિ વિરુદ્ધ નહીં, પરંતુ સમગ્ર સમાજ વિરુદ્ધનો ગુનો છે.
બેન્ચે ટિપ્પણી કરી હતી, પઆ કોર્ટ એ હકીકતને નજરઅંદાજ કરી શકે તેમ નથી કે લગ્ન, તેના વાસ્તવિક સ્વરૂૂપમાં, પરસ્પર વિશ્વાસ, સહચર્ય અને સન્માન પર આધારિત એક પવિત્ર અને ઉત્તમ વ્યવસ્થા છે. જોકે, તાજેતરના સમયમાં, આ પવિત્ર બંધન દુર્ભાગ્યવશ માત્ર એક વ્યવસાયિક લેવડદેવડ બની ગયું છે. દહેજની બદીને ઘણીવાર ભેટ અથવા સ્વૈચ્છિક અર્પણ તરીકે છુપાવવાનો પ્રયાસ કરવામાં આવે છે, પરંતુ વાસ્તવમાં તે સામાજિક પ્રતિષ્ઠા દર્શાવવા અને ભૌતિક લાલચને સંતોષવાનું એક સાધન બની ગયું છે.
સુપ્રીમ કોર્ટે આ ટિપ્પણીઓ એવા એક કેસમાં કરી હતી, જ્યાં લગ્નના માત્ર ચાર મહિના પછી જ દહેજ માટે પત્નીને ઝેર આપી મારવાના આરોપીના જામીન રદ કરવામાં આવ્યા હતા. સુપ્રીમ કોર્ટે આરોપીને જામીન પર મુક્ત કરવાના હાઈકોર્ટના આદેશને પ્રતિકૂળ અને અવ્યવહારુપ ગણાવતા કહ્યું કે, હાઈ કોર્ટે આ કેસમાં ગુનાની ગંભીરતા, મૃત્યુ પહેલાં આપવામાં આવેલા પુષ્ટ નિવેદનો અને દહેજ હત્યા સંબંધિત કાયદાકીય ધારણાને નજરઅંદાજ કર્યા હતા.
આ મામલે બેન્ચે ભારપૂર્વક જણાવ્યું કે, દહેજની સામાજિક બદી માત્ર લગ્નની પવિત્રતાનો જ નાશ કરતી નથી, પરંતુ તે મહિલાઓના વ્યવસ્થિત દમન અને પરાધીનતાને પણ પ્રોત્સાહન આપે છે. દહેજ હત્યાની ઘટના આ સામાજિક કુપ્રથાની સૌથી ઘૃણાસ્પદ અભિવ્યક્તિઓમાંની એક છે, જ્યાં એક યુવતીનું જીવન તેના સાસરિયામાં જ સમાપ્ત કરી દેવામાં આવે છે.
અને તે પણ તેની કોઈ ભૂલને કારણે નહીં, પરંતુ માત્ર અન્યોની અતૃપ્ત લાલચને સંતોષવા માટે.
કોર્ટે ઉમેર્યું હતું કે આ પ્રકારના જઘન્ય ગુના માનવીય ગરિમાના મૂળ પર પ્રહાર કરે છે અને બંધારણના અનુચ્છેદ 14 અને 21 હેઠળ આપવામાં આવેલા સમાનતા અને સન્માનજનક જીવનના અધિકારનું ઉલ્લંઘન કરે છે.