For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

પ્રદૂષણ: દેશમાં વધતી મૌન મહામારી

11:06 AM Dec 06, 2025 IST | Bhumika
પ્રદૂષણ  દેશમાં વધતી મૌન મહામારી

દેશના મોટાભાગના શહેરોમાં શુદ્ધ હવાનું ગુણોત્તર સતત ઘટતું જાય છે કેમ કે વાહનવ્યવહારનો વધારો, ઉદ્યોગોમાંથી નીકળતાં ઝેરી વાયુઓ, બાંધકામનાં લીધે ઊડતી ધૂળ, કચરાનો અયોગ્ય નિકાલ, અવારનવાર છલકાતી ગટરો, ઘરવપરાશમાં પ્લાસ્ટિકનો વધુ પડતો ઉપયોગ, અવાજના સ્તરમાં વધારો જેવાં અનેક કારણોને લીધે આજે શહેરની હવા તો ઠીક ગામડાની હવા પણ શુદ્ધ રહી નથી. ઝોખમી હવાના લીધે શ્વાસ લેવામાં પણ તકલીફ પડી રહી છે. પ્રદૂષણ જો સમયસર નહીં અટકાવીએ તો આવનારી પેઢીનું જીવન ટૂંકું અને અનેક બીમારીઓ સાથેનું જ હશે.

Advertisement

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના એક અંદાજ મુજબ પ્રદૂષણને કારણે દર વર્ષે લાખો લોકો ગંભીર રોગોના શિકાર બને છે જેમાં મુખ્ય હૃદયરોગ, શ્વાસને લગતી બીમારી અને કેન્સર મોખરે છે. વધતું જતું પ્રદૂષણ એ માત્ર પર્યાવરણનો મુદ્દો જ નહીં પણ જાહેર આરોગ્ય અને રાષ્ટ્રીય સુરક્ષાનો પ્રશ્ન બની ગયો છે. દર વર્ષે 2 ડિસેમ્બરનાં દિવસે રાષ્ટ્રીય પ્રદૂષણ નિયંત્રણ દિવસ તરીકે ઉજવાય છે. દિવસને ઉજવવાથી કંઈ થઈ શકશે નહીં, આ માટે નાગરિકોએ પોતે જ જાહેર જગ્યાએ સ્વચ્છતા જાળવવી આવશ્યક બની ગયું છે.

પ્રદૂષણ નિયંત્રણ એ માત્ર સરકાર કે કોઈ સંસ્થાની જ ફરજ નથી. દેશનાં દરેક નાગરિકની નૈતિક જવાબદારી છે કે પોતે પોતાની આસપાસ વાતાવરણ કઈ રીતે ચોખ્ખું રાખી શકે. દરેક નાગરિક પોતાનાં શેરી મહોલ્લા ચોખ્ખા રાખે તો ગામ આપોઆપ સ્વચ્છ બનશે. પ્રદૂષણ અટકાવવા વૃક્ષારોપણ એ સૌથી સરળ ને સારો ઉપાય છે. વૃક્ષ વાવવાથી અનેક ફાયદાઓ થાય છે, તે પણ વિનામૂલ્યે. શહેરોમાં તો વૃક્ષ વાવવા માટે પણ સંસ્થાઓ કામ કરી રહી છે. તમે સંસ્થાને માત્ર પૈસા આપી દો અને વૃક્ષ સંસ્થા દ્રારા ઉગાડો. તમારે માત્ર પૈસા જ આપવાનાં છે છતાં આટલું પણ માનવજતથી થતું નથી. લાખો રૂૂપિયાનું ઈંધણ ધુમાડો કરતાં ફટાકડામાં કરશે પણ હવાને શુદ્ધ રાખતાં વૃક્ષ પાછળ સમય કે પૈસો નહીં બગાડે.

Advertisement

પ્રદૂષણ અટકાવવા બીજા ઘણા સહેલા ઉપાયો પણ છે જેમ કે સોલાર પાવર, એલઈડી લાઈટ અને ઈલેક્ટ્રિક વાહનો પણ પ્રદૂષણ ઘટાડે છે. પ્લાસ્ટિકનો વધુ પડતો ઉપયોગ ટાળીને કાપડના થેલા વાપરવાં જોઈએ. ઉપરાંત જળસ્ત્રોતની સુરક્ષા, કચરાનો યોગ્ય નિકાલ, અવાજ કરતાં સ્પીકરો કે ફટાકડાંથી થતું ધ્વનિ પ્રદૂષણ નિયંત્રણ, વાહનોનો ઓછો ઉપયોગ જેવાં નજીવા કાર્યોથી પર્યાવરણની સુરક્ષા અનેકગણી વધે છે. પર્યાવરણની જાગૃતિ લાવવાં સૌ પ્રથમ સ્કૂલો, ઉદ્યોગો તેમજ સામાજિક સંસ્થાઓએ સક્રિય રીતે આગળ આવવું પડશે. જો કુદરત રૂૂઠશે તો આપણાં જ બાળકો સુરક્ષિત નહીં રહી શકે. બાળકો માટે મિલકત એકઠી જેટલાં હોશથી કરીએ છીએ તેટલા જ હોશથી તેમની તંદુરસ્તી માટે પણ થોડી મિલક્ત વાપરીએ.

પહેલું સુખ તે જાતે નર્યા આટલી સરસ કહેવત અવારનવાર સાંભળીએ છીએ છતાં એક કડવું સત્ય એ છે કે, આપણે જ આપણાં બાળકો અને આપણું આરોગ્ય જોખમમાં મુકીએ છીએ.
કોઈ કામ એકલાથી નહીં થઈ શકે પરંતુ એક નાનો બદલાવ, એક નાનું વચન, એક નાનું પગલું આપણી જ આવતીકાલને સ્વચ્છ અને સુરક્ષિત બનાવી શકે છે. આજે પર્યાવરણ ખોવાઈ જરૂર રહ્યું છે પણ તેને બચાવવાં માટેનો સમય હજુ ખૂટ્યો નથી. પ્રદૂષણ નિયંત્રણ વાસ્તવમાં ત્યારે જ શક્ય બનશે જયારે દરેક વ્યક્તિ એક યોગ્ય પગલું ભરે. સરકાર, નાગરિકો, વેપારીઓ, સ્કૂલ, કોલેજ, યુવાઓ, વડવાઓ દરેકની ભાગીદારી સાથે જ પર્યાવરણ સુરક્ષિત રહી શકશે.

આજનાં સમયમાં રોડ પર કચરો ઠાલવવાનાં લીધે પાણી જમીનમાં ઉતરી શકતું નથી. ભૂગર્ભ જળ ઓછું હોવાથી પાણીમાં તંગી આવે છે અને નદીમાં પ્રદૂષણ વધે છે. રોડ પર માત્ર કચરો નહીં ફેંકવાના નાના સંકલ્પથી પણ ધરખમ ફેરફાર દેખાશે. આજે તો ઘેર ઘેર કચરો લેવા ટીપારવાન આવતી હોવા છતાં પણ માણસો રોડ પર કચરો ફેંકતા અચકાતા નથી. માણસ ચંદ્ર પર તો પહોંચી ગયો પણ સ્વર્ગસમી પૃથ્વીને નર્ક જેવી ગંદી બનાવતા જરાય અચકાતો નથી.

Advertisement
Tags :
Advertisement
Advertisement