PM મોદીનો પટનામાં વિશાળ રોડ શો, નીતિશ કુમારની ગેરહાજરી
મોદી ઝિંદાબાદ, જય શ્રીરામના નારા લાગ્યા, મહિલાઓએ આરતી ઉતારી
બિહાર વિધાનસભા ચૂંટણી 2025ના પ્રચાર માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે રાજધાની પટનામાં રોડ શો યોજ્યો હતો. લગભગ 40 મિનિટ સુધી ચાલેલા આ રોડ શોમાં મુખ્યમંત્રી અને NDA ગઠબંધનના સહયોગી નીતિશ કુમાર ગેરહાજર રહ્યા હતા, જેના કારણે અનેક સવાલો ઊભા થયા છે.
રોડ શો દ્વારા પીએમ મોદીએ બિહારની 14 વિધાનસભા બેઠકો પર NDA ના પક્ષમાં માહોલ બનાવવાનો પ્રયાસ કર્યો. રોડ શો દિનકર ચોકથી શરૂૂ થઈને ઉદ્યોગ ભવન ખાતે સમાપ્ત થયો હતો.
નીતિશ કુમારની ગેરહાજરીમાં પીએમ મોદી સાથે કેન્દ્રીય મંત્રી લલન સિંહ, બીજેપી પ્રદેશ અધ્યક્ષ દિલીપ જયસ્વાલ અને સાંસદ રવિશંકર પ્રસાદ હાજર રહ્યા હતા. પીએમ મોદીની એક ઝલક મેળવવા માટે મોટી સંખ્યામાં લોકો રસ્તાની બંને બાજુ એકઠા થયા હતા. રોડ શો દરમિયાન પમોદી ઝિંદાબાદથ અને ‘જય શ્રીરામથ’ ના નારા લગાવવામાં આવ્યા હતા. એક અદ્ભુત દ્રશ્યમાં, ઘણી મહિલાઓએ તેમની બાલ્કનીમાંથી પીએમ મોદીની આરતી ઉતારી હતી. પીએમ મોદીએ હાથ હલાવીને અને પ્રણામ કરીને તેમનું અભિવાદન ઝીલ્યું હતું.
ભાજપના નેતાઓએ આ દ્રશ્યને અવિશ્વસનીય અને ભાવનાત્મક ક્ષણ ગણાવી હતી.રોડ શો બાદ પીએમ મોદી તખ્ત હરિમંદિર જી પટના સાહિબ પહોંચ્યા હતા અને ગુરુ ગ્રંથ સાહિબ સમક્ષ માથું ટેકવ્યું હતું. ગુરુદ્વારા પ્રબંધન સમિતિના પદાધિકારીઓએ તેમનું પરંપરાગત રીતે સરોપા અને કૃપાણ આપીને સ્વાગત કર્યું હતું.
