'પીએમ મોદીની ડિગ્રી સાર્વજનિક નહીં થાય', દિલ્હી હાઈકોર્ટે રદ કર્યો CICનો આદેશ
પીએમ નરેન્દ્ર મોદીની ડિગ્રી સંબંધિત કેસમાં, દિલ્હી હાઈકોર્ટે આજે સેન્ટ્રલ ઈન્ફોર્મેશન કમિશન(CIC)ના આદેશને રદ કર્યો હતો. જેમાં વડા પ્રધાનની સ્નાતકની ડિગ્રી સંબંધિત માહિતી જાહેર કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો હતો. જસ્ટિસ સચિન દત્તાએ સીઆઈસીના આદેશને પડકારતી દિલ્હી યુનિવર્સિટીની અરજી પર 27 ફેબ્રુઆરીના રોજ આપેલા ચુકાદાને અનામત રાખ્યો છે. વિગતવાર ચુકાદો હજી જાહેર થયો નથી.
પીએમ મોદીએ ૧૯૭૮માં સ્નાતકની ડિગ્રી મેળવી હતી
નીરજ નામના વ્યક્તિ દ્વારા માહિતી અધિકાર (RTI) અરજી બાદ, CICએ ૨૧ ડિસેમ્બર ૨૦૧૬ ના રોજ ૧૯૭૮ માં BA (બેચલર ઓફ આર્ટ્સ) પરીક્ષા પાસ કરનારા તમામ વિદ્યાર્થીઓના રેકોર્ડનું નિરીક્ષણ કરવાનો આદેશ આપ્યો હતો. વડા પ્રધાન મોદીએ પણ ૧૯૭૮માં આ પરીક્ષા પાસ કરી હતી.
સોલિસીટર જનરલ તુષાર મહેતાએ યુનિવર્સિટી તરફથી દલીલ કરી હતી કે, યુનિવર્સિટી પોતાના વિદ્યાર્થીઓની ડિગ્રી, માર્ક, ઉત્તરવહીઓ સહિતની શૈક્ષણિક વિગતો કાયદા અને નીતિમત્તાના વિશ્વાસ સાથે પોતાની પાસે રેકોર્ડમાં રાખે છે. જેને ત્રીજા પક્ષની જિજ્ઞાસાના આધારે આરટીઆઈ એક્ટ હેઠળ જાહેર કરી શકાય નહીં. જેમાં આરટીઆઈ એક્ટ હેઠળ કોઈ જાહેર હિત પણ નથી. જ્યારે કલમ 8 (1) (ઈ) અને (જે) હેઠળ આ પ્રકારની વિગતોમાં જાહેર હિત ન હોય તો તેને જાહેર કરવામાંથી મુક્તિ મળે છે.