PM મોદીએ શ્રીનગર-લેહને જોડતી Z-Morh ટનલનું કર્યું ઉદ્ધાટન, CM ઉમર અબ્દુલ્લા પણ રહ્યા સાથે
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે એટલે કે 13 જાન્યુઆરીએ જમ્મુ અને કાશ્મીરની મુલાકાતે છે. ત્યારે pm મોદીએ જમ્મુ અને કાશ્મીરના ગાંદરબલ જિલ્લામાં સોનમર્ગમાં ઝેડ-મોડ ટનલનું ઉદ્ઘાટન કર્યું છે. આ ટનલને ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. પીએમની મુલાકાતને ધ્યાનમાં રાખીને ઝેડ-મોડ ટનલ પાસે સુરક્ષા સઘન કરવામાં આવી હતી. સંવેદનશીલ વિસ્તારોમાં સુરક્ષા જવાનોની તૈનાતી વધારી દેવામાં આવી છે. દેશવિરોધી તત્વોને અંકુશમાં લેવા માટે મહત્વના આંતરછેદો પર ડઝનબંધ ચોકીઓ ઉભી કરવામાં આવી હતી. એસપીજીની ટીમે પણ ઘટનાસ્થળે પહોંચીને ચાર્જ સંભાળ્યો હતો. આ ટનલ જમ્મુ અને કાશ્મીર તેમજ ભારત માટે ઘણી રીતે ઘણી મહત્વની સાબિત થવા જઈ રહી છે.
શ્રીનગર-લેહ રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર રૂ. 2400 કરોડના ખર્ચે બનેલી આ 6.5 કિમી લાંબી Z-ટર્ન ટનલ, લદ્દાખને આખા વર્ષ દરમિયાન સડક માર્ગે કનેક્ટિવિટી પ્રદાન કરવાની દિશામાં એક મોટું પગલું હશે. આ ટનલ બનાવવાનું કામ મે 2015માં શરૂ થયું હતું અને તેનું બાંધકામ ગયા વર્ષે પૂર્ણ થયું હતું. લદ્દાખની આ સુરંગ દેશની સંરક્ષણ જરૂરિયાતોથી પણ ઘણી મહત્વપૂર્ણ માનવામાં આવે છે. કારણ કે આ ટનલ કેન્દ્રશાસિત પ્રદેશ લદ્દાખને દેશના બાકીના ભાગો સાથે પણ જોડે છે.
આ ટનલ શરૂ થયા બાદ ગગનગીર અને સોનમાર્ગ વચ્ચે અવિરત કનેક્ટિવિટી સુનિશ્ચિત થશે અને ઉનાળામાં લદ્દાખની મુસાફરી પણ પહેલા કરતા વધુ સરળ બની જશે. Z-ટર્ન ટનલ 8,650 ફૂટની ઉંચાઈ પર સ્થિત છે અને તે બે-લેન રોડ ટનલ છે. આ ઉપરાંત ઈમરજન્સીની સ્થિતિમાં સમાંતર 7.5 મીટર પહોળો એસ્કેપ રૂટ પણ બનાવવામાં આવ્યો છે.
પીએમ મોદીની મુલાકાતને લઈને સુરક્ષા વ્યવસ્થાના અનેક સ્તરો છે. જમ્મુ અને કાશ્મીર પોલીસ, અર્ધલશ્કરી દળો અને સેનાના જવાનોએ પહેલેથી જ ચાર્જ સંભાળી લીધો છે. આ ઉપરાંત કાર્યક્રમને ધ્યાનમાં રાખીને આસપાસના વિસ્તારોમાં સર્ચ અને પેટ્રોલિંગ પણ કરવામાં આવી રહ્યું છે. સુરક્ષા એજન્સીઓ પણ ફુલ એલર્ટ મોડમાં છે.ડ્રોન સહિત એરિયલ અને ટેક્નિકલ સર્વેલન્સ પણ કરવામાં આવી રહ્યું છે.
કાર્યક્રમને લઈને કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી રહી છે કારણ કે ગયા વર્ષે 20 ઓક્ટોબરે ગગનગીરમાં સુરંગ પાસે મોટો આતંકી હુમલો થયો હતો. જેમાં સ્થાનિક ડોક્ટર સહિત 7 લોકોના મોત થયા હતા.