શિબુ સોરેનના અંતિમ દર્શન માટે પહોંચ્યા પીએમ મોદી, સીએમ હેમંત સોરેન પ્રધાનમંત્રીનો હાથ પકડીને રડી પડ્યા
ઝારખંડના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને ઝારખંડ મુક્તિ મોરચાના સ્થાપક શિબુ સોરેનનું આજે(૪ ઓગસ્ટ) સવારે નિધન થયું. તેમણે દિલ્હીની સર ગંગા રામ હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા. શિબુ સોરેનના નિધન બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અંતિમ દર્શન માટે હોસ્પિટલમાં પહોંચ્યા હતા. તેમણે મુખ્યમંત્રી હેમંત સોરેનને પણ મળ્યા હતા. પ્રધાનમંત્રીને મળ્યા બાદ હેમંત સોરેન ભાવુક થઈ ગયા હતા અને પોતાના આંસુ રોકી શક્યા ન હતા.
પ્રધાનમંત્રી મોદીએ X પોસ્ટ દ્વારા માહિતી આપી હતી. તેમણે લખ્યું હતું કે, "હું સર ગંગા રામ હોસ્પિટલ પહોંચ્યો અને શિબુ સોરેનજીને શ્રદ્ધાંજલિ આપી. તેમના પરિવારને પણ મળ્યો. હેમંત જી, કલ્પના જી અને શિબુ સોરેનજીના ચાહકો સાથે મારી સંવેદના છે." પીએમના X હેન્ડલ પરથી કેટલીક તસવીરો પણ શેર કરવામાં આવી છે. હેમંત સોરેન ઝારખંડના મુખ્યમંત્રી છે અને તેઓ શિબુ સોરેનના પુત્ર પણ છે. તેઓ ઝારખંડ મુક્તિ મોરચા પાર્ટીના પ્રમુખનું પદ પણ ધરાવે છે.
https://x.com/narendramodi/status/1952288978021019785
શિબુ સોરેન કિડનીની બીમારીથી પીડાતા હતા
ઝારખંડના ભૂતપૂર્વ મુખ્યમંત્રી શિબુ સોરેન લાંબા સમયથી કિડનીની બીમારીથી પીડાતા હતા. તેઓ છેલ્લા એક મહિનાથી લાઇફ સપોર્ટ સિસ્ટમ પર હતા. તેમના મૃત્યુની માહિતી હેમંત સોરેનના X હેન્ડલ પરથી શેર કરવામાં આવી હતી. તેમણે X પોસ્ટમાં લખ્યું, "આદરણીય દિશામ ગુરુજી આપણને બધાને છોડીને ગયા છે. આજે હું ખાલી થઈ ગયો છું."
અમિત શાહ સહિત તમામ નેતાઓએ શોક વ્યક્ત કર્યો
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ, કોંગ્રેસના નેતાઓ રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી સહિત અન્ય લોકોએ શિબુ સોરેનના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. ગૃહમંત્રી અમિત શાહે X પર લખ્યું, "ઝારખંડના ભૂતપૂર્વ મુખ્યમંત્રી શ્રી શિબુ સોરેનજીના નિધનના સમાચાર ખૂબ જ દુઃખદ છે. તેમણે ઝારખંડમાં આદિવાસી સમાજના અધિકારો અને સશક્તિકરણ માટે દાયકાઓ સુધી લડત આપી. ભગવાન દિવંગત આત્માને તેમના ચરણકમળમાં સ્થાન આપે અને શોકગ્રસ્ત સોરેન પરિવાર અને તેમના ચાહકો અને સમર્થકોને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે."