આર. ડી. બર્મનના કોલકાતાના જર્જરિત ઘરને મ્યુઝિયમ બનાવવા પિટીશન
આર. ડી. બર્મનના કલકત્તાના ઘરને હવે મ્યુઝિયમમાં ફેરવવાની ડિમાન્ડ ચાલી રહી છે. કલકત્તાના 36/1 સાઉથ એન્ડ પાર્કમાં આવેલું આર. ડી. બર્મનનું ઘર ક્યારેક સંગીતપ્રેમીઓ માટે પૂજાનું મંદિર હતું, પરંતુ હવે એની હાલત ખૂબ ખરાબ છે. આ ઘર જર્જરિત થઈ ગયું હોવાને કારણે એનું સમારકામ કરાવવાની જરૂૂર છે. જોકે વારંવાર અપીલ કર્યા છતાં અધિકારી આ મામલે ધ્યાન નથી આપી રહ્યા હવે આ ઘરને બચાવવા માટે તેમના ચાહકોના એક ગ્રુપે ઑનલાઇન પિટિશન શરૂૂ કરી છે અને અધિકારીઓને આને મ્યુઝિયમમાં ફેરવવાની વિનંતી કરી છે.
અરજી કરનારાઓએ વિનંતી કરી છે કે સમયની સાથે આર. ડી. બર્મનનું ઘર નાશ પામે એ પહેલાં એને મ્યુઝિયમમાં રૂૂપાંતરિત કરવું જોઈએ જેથી લોકોને રોજગારી તો મળશે, પણ એ સિવાય સંગીતપ્રેમીઓને આર. ડી. બર્મન વિશે જાણીને તેમની પ્રતિભાની કદર કરવાની તક મળશે.
મ્યુઝિયમ બનાવવા માટે શરૂૂ કરાયેલી ઑનલાઇન પિટિશન પર એક અઠવાડિયામાં 7000થી વધુ લોકોએ સાઇન કરી છે. અરજી કરનારાઓનું માનવું છે કે આ ઘરને સાંસ્કૃતિક સ્થળ તરીકે સાચવવું જોઈએ. પિટિશનમાં લખવામાં આવ્યું છે કે આ ઘર માત્ર ઈંટ અને સિમેન્ટથી નથી બન્યું, એમાં સંગીતની ધૂન છે જેણે ભારતીય સંગીતને નવો વળાંક આપ્યો હતો.
