વારાણસી મસ્જિદમાં પૂજા કરવાની છૂટ: મુસ્લિમો સ્વેચ્છાએ સંકુલ સોંપે તે તેમના હિતમાં
અયોધ્યામાં ભગવાન શ્રી રામના મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા સુખરૂૂપ રીતે સંપન્ન થયા પછી હવે હિંદુવાદીઓના એજન્ડા પર કાશી અને મથુરાનાં મંદિરો છે ત્યારે વારાણસીની કોર્ટે બહુ મહત્ત્વનો આદેશ આપ્યો છે. વારાણસી કોર્ટે જ્ઞાનવ્યાપી મંદિરનું ગર્ભગૃહ મનાતા વ્યાસભોંયરામાં પૂજા કરવાની હિંદુ પરિવારને છૂટ આપી છે. વારાણસી સંકુલમાં કુલ ચાર તહખાના એટલે કે ભોંયરાં છે. આ પૈકી એક ભોંયરા પર મંદિરના પૂજારી એવા વ્યાસ પરિવારનો કબજો છે. કોર્ટે આ વ્યાસ પરિવારને જ્ઞાનવાપીના વ્યાસજી ભોંયરામાં પૂજા કરવાનો અધિકાર આપ્યો છે અને તેના માટે બેરિકેડ હટાવવાનું પણ ફરમાન કર્યું છે. આ પહેલાં કોર્ટે વ્યાસ ભોંયરુ ખોલીને તેનો કબજો લેવા આદેશ આપતાં 17 જાન્યુઆરીએ, વ્યાસજીના ભોંયરાનો જિલ્લા વહીવટીતંત્રે કબજો લીધો હતો. જિલ્લા કલેક્ટરે ભોંયરાની ચાવી પોતાની પાસે રાખી હતી. હવે કોર્ટના આદેશથી ચાવી વ્યાસ પરિવારને આપી દેવામાં આવશે. આ ભોંયરામાં છેલ્લાં 31 વર્ષથી એટલે કે 1993થી પૂજા બંધ હતી પણ વારાણસી કોર્ટે ફરમાન કરતાં કહ્યું કે વ્યાસ પરિવાર સાત દિવસની અંદર પૂજા કરી શકે છે. અત્યારે પૂજા કરવા માટે કાશી વિશ્ર્વનાથ મંદિરના પૂજારીને બોલાવવા કહેવાયું છે પણ પછીથી જિલ્લા કલેક્ટરના આદેશથી પૂજારીની નિમણૂક કરવામાં આવશે. વારાણસી કોર્ટના આદેશ સાથે જ સ્પષ્ટ થઈ ગયું છે કે, કાશી વિશ્ર્વનાથ મુદ્દો પણ અયોધ્યાના રામમંદિર વિવાદની દિશામાં આગળ વધી રહ્યો છે અને હિંદુઓને આ મંદિર સોંપાય તેનો તખ્તો ઘડાઈ રહ્યો છે. તેમાં કશું ખોટું પણ નથી કેમ કે આર્કિયોલોજિકલ સર્વે ઓફ ઈન્ડિયાએ પોતાના રિપોર્ટમાં જ્ઞાનવાપી મસ્જિદ ઊભી છે ત્યાં પહેલાં મંદિર હતું એવું કહ્યું છે.મુસ્લિમો આ મુદ્દે હવે શું વલણ લે છે તેના પર સૌની નજર છે પણ કેટલાક હિંદુવાદી આગેવાનોએ મુસ્લિમોને સમજદારી બતાવીને આ ધર્મસ્થાન હિંદુઓને સોંપીને કોમી સદભાવનો એક દાખલો બેસાડવા અપીલ કરી છે. આ વાત માનીને મુસ્લિમો વિવાદ કર્યા વિના હિંદુઓને આ જગા સોંપી દે એ એક વિકલ્પ છે જ. મુસ્લિમો તેના કારણે ફાયદામાં રહેશે કેમ કે મુસ્લિમો માટે મસ્જિદ કામની નથી જ્યારે હિંદુઓ માટે આસ્થાનું પ્રતિક છે. હજારો હિંદુઓ આ મંદિરમાં આવે છે તેથી મુસ્લિમો વિવાદ ના વણસે એ માટે જગાનો કબજો છોડી દે એવું બને.