ખાનગી ક્ષેત્રના નિવૃત્ત કર્મચારીઓનું પેન્શન નહીં વધે
ઈપીએસ-95 હેઠળ લઘુત્તમ પેન્શન 1,000થી વધારી 7,500 કરવાની કોઈ દરખાસ્ત નથી: સરકારનો ખુલાસો
ખાનગી ક્ષેત્રના લાખો પેન્શનરો માટે નિરાશાજનક સમાચાર આવ્યા છે. EPS -95 પેન્શન વધારવાની આશાઓ પર હવે સરકારએ બ્રેક લગાવી દીધી છે. શ્રમ રાજ્યમંત્રી શોભા કરંદલાજીએ સંસદમાં સ્પષ્ટ કહ્યું કે હાલ લઘુત્તમ પેન્શન ₹1,000 થી વધુ વધારવાનો કોઈ પ્રસ્તાવ સરકારના વિચારાધીન નથી. પેન્શનરો મોંઘવારી ભથ્થા (DA) માટે પણ લાંબા સમયથી માંગ કરી રહ્યા છે, પણ સરકાર મુજબ તે યોજનાના માળખામાં શક્ય નથી.
લાંબા સમયથી અપેક્ષા હતી કે EPS -95 હેઠળ પેન્શન ₹1,000 થી વધારીને ₹7,500 કરવામાં આવશે. કેટલાક મીડિયા અહેવાલોમાં દાવો થયો હતો કે ઓક્ટોબર 2025 ની CBT મીટિંગમાં આ અંગે મંજૂરી મળી શકે છે. પરંતુ હવે સંસદના શિયાળુ સત્રમાં સરકારના સત્તાવાર જવાબ પછી સ્પષ્ટ થઈ ગયું છે કે નજીકના ભવિષ્યમાં પેન્શન વધવાની શક્યતા નથી.
EPS -95 હેઠળ દેશભરમાં 80 લાખથી વધુ વૃદ્ધ પેન્શનરો આવરી લેવાયા છે. વર્ષ 2014 માં પેન્શન ₹1,000 નક્કી કરવામાં આવ્યું હતું અને ત્યારથી અત્યાર સુધી કોઈ વધારો થયો નથી. વધતા ફુગાવા વચ્ચે ખાનગી ક્ષેત્રના પેન્શનરો ₹7,500 થી ₹9,000 સુધીની લઘુત્તમ પેન્શનની માંગ કરી રહ્યા છે.