સરકારી કર્મચારીના મૃત્યુ બાદ આશ્રિત દીકરીઓને પણ પેન્શન
પેન્શન નિયમોમાં મહત્ત્વના ફેરફારની જાહેરાત
કેન્દ્ર સરકારે એક મહત્વપૂર્ણ નિર્ણય લઈને સ્પષ્ટતા કરી છે કે સરકારી કર્મચારીઓના મૃત્યુ બાદ, તેમની અપરિણીત, વિધવા અથવા છૂટાછેડા લીધેલી પુત્રીઓ ફેમિલી પેન્શન માટે હકદાર રહેશે. આ માટેની મુખ્ય શરત એ છે કે મૃત્યુ સમયે પુત્રી તેના માતા-પિતા પર આશ્રિત હોવી જોઈએ. આ જોગવાઈ પેન્શન અને પેન્શનર્સ કલ્યાણ વિભાગ દ્વારા સૂચિત નિયમોમાં કરવામાં આવી છે, જે કર્મચારીઓના કલ્યાણ પ્રત્યે સરકારની સંવેદનશીલતા દર્શાવે છે.
કેન્દ્રીય મંત્રી જીતેન્દ્ર સિંહે લોકસભામાં જણાવ્યું કે કેન્દ્રીય નાગરિક સેવા (પેન્શન) નિયમો 2021 અને ત્યારબાદના ઓફિસ મેમોરેન્ડમ મુજબ, જો મૃત સરકારી કર્મચારીના પુત્ર અને પત્ની હયાત ન હોય અથવા પાત્રતાની શરતો પૂરી ન કરતા હોય, તો ફેમિલી પેન્શન અપરિણીત, વિધવા કે છૂટાછેડા લીધેલી પુત્રીને મળશે. આ પેન્શન જ્યાં સુધી તે ફરીથી લગ્ન ન કરે કે પોતાનું ગુજરાન ચલાવવાનું શરૂૂ ન કરે ત્યાં સુધી ચાલુ રહેશે. રેલવે અને સંરક્ષણ કર્મચારીઓ માટે પણ સમાન જોગવાઈઓ છે.
કેન્દ્રીય કર્મચારી રાજ્ય મંત્રી જીતેન્દ્ર સિંહે લેખિત જવાબમાં આ માહિતી આપી હતી. તેમણે જણાવ્યું કે કેન્દ્રીય નાગરિક સેવા (પેન્શન) નિયમો 2021 માં આ જોગવાઈઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ નિયમો અનુસાર, ફેમિલી પેન્શન માટેની પ્રાથમિકતામાં જો મૃત કર્મચારીના પતિ અથવા પુત્ર હયાત ન હોય અથવા તેઓ ફેમિલી પેન્શન માટેની શરતો પૂરી ન કરતા હોય, તો આ પેન્શન અપરિણીત, વિધવા અથવા છૂટાછેડા લીધેલી પુત્રીને આપવામાં આવશે.