પતંજલિ બજારમાંથી મરચાં પાઉડરના પેકેટ પાછા ખેચશે
યોગ ગુરુ બાબા રામદેવની કંપની પતંજલિ ફૂડ્સ લિમિટેડે એક મોટી જાહેરાત કરી છે. કંપનીએ લાલ મરચાના પાવડરમાં ખામીઓ મળી આવ્યા બાદ ફૂડ રેગ્યુલેટર FSSAIના નિર્દેશોનું પાલન કરીને તેના પેકેટ પાછા મંગાવવાનો નિર્ણય લીધો છે. કંપની આ માટે ગ્રાહકોને પૈસા પણ પરત કરશે. મીડિયા રિપોર્ટ અનુસાર, પતંજલિ ફૂડ્સ લિમિટેડ બજારમાંથી ચાર ટન લાલ મરચાંનો પાવડર પાછો ખેંચવા જઈ રહી છે.
આ લાલ મરચું ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI) ના સલામતી ધોરણોને પૂર્ણ કરતું નથી. તેથી, કંપની એક બેચના બધા લાલ મરચાંના પાવડર પાછા મંગાવશે.પતંજલિ ફૂડ્સ લિમિટેડના સીઈઓ સંજીવ અસ્થાનાએ જણાવ્યું છે કે, પતંજલિ ફૂડ્સે ચાર ટન લાલ મરચાં પાવડર (200 ગ્રામ પેક) ની બેચ પાછી ખેંચી લીધી છે. જંતુનાશક અવશેષો મહત્તમ અનુમતિપાત્ર મર્યાદામાં ન હોવાનું જાણવા મળ્યું હતું. તેથી, FSSAI એ આ પેકેટો પાછા ખેંચવાનો નિર્દેશ આપ્યો છે.સંજીવ અસ્થાના કહે છે કે FSSAIના આદેશ મુજબ, કંપનીએ તેના સ્ટોકિસ્ટ્સને આ અંગેની માહિતી મોકલી છે અને તેમને આ માટે તાત્કાલિક કાર્યવાહી કરવા કહેવામાં આવ્યું છે. કંપની જાહેરાત દ્વારા ઉત્પાદન ખરીદનારા ગ્રાહકો સુધી આ માહિતી પણ પહોંચાડશે. કંપનીએ ગ્રાહકોને અપીલ કરી છે કે તેઓ લાલ મરચું જ્યાંથી ખરીદ્યું છે ત્યાં પરત કરે અને તેમને તેમના પૂરા પૈસા પાછા મળશે.