બ્રેક ફેલ થતાં મુસાફરો ચાલુ બસમાંથી જીવ બચાવવા કૂદી પડ્યા
સેના-પોલીસે અવરોધો ગોઠવી બસ રોકી લેતા મોટી દુર્ઘટના અટકી
જમ્મુ-કાશ્મીરના રામબન જિલ્લામાં સેના અને પોલીસના જવાનોની બહાદુરીને પુરવાર કરતી ઘટના સામે આવી છે. અમરનાથ યાત્રાના ભક્તોને લઈને પરત આવી રહેલ બસની બ્રેક અચાનક ફેલ થઈ ગઈ હતી. જે બાદ અંદર સવાર 40 જેટલા મુસાફરોના જીવ અદ્ધર થઈ ગયા હતા અને લોકો ચાલતી બસમાંથી લોકો કૂદવા લાગ્યા હતા.
સેના અને પોલીસે માર્ગમાં અવરોધો ઉભા કરીને બસને રોકી હતી અને તમામ ભક્તોના જીવ બચાવ્યા હતા. ચાલતી બસમાંથી કૂદવાથી કેટલાક ભક્તોને ઈજા થઈ હતી અને અન્ય તમામ ભક્તો સુરક્ષિત છે. આ તમામ શ્રદ્ધાળુઓ પંજાબના હોશિયારપુરના હતા.
નચિલાણા વિસ્તારમાં અમરનાથ દર્શનથી પરત ફરી રહેલા ભક્તોને લઈને જતી બસની બ્રેક ફેઈલ થઈ ગઈ હતી. બસની બ્રેક ફેલ થઈ ગઈ હોવાની જાણ થતાં જ બસમાં મુસાફરી કરી રહેલા શ્રદ્ધાળુઓ ડરી ગયા અને ચીસો પાડવા લાગ્યા ત્યારે સેના, પોલીસ અને ટ્રાફિક પોલીસે રામબન જિલ્લાના નચિલાણા વિસ્તારમાં અમરનાથ યાત્રીઓની બસને ખીણમાં પડતા બચાવી હતી.