ગુકેશને વર્લ્ડ ચેમ્પિયન બનાવવામાં માતા-પિતાનો સિંહ ફાળો
માતા ટૂરમાં પણ દીકરા માટે ભોજન બનાવે છે, પિતાએ કેરિયર દાવ પર લગાડી
ગુકેશ ડી… આ નામ હાલ આખા વિશ્વમાં ગાજી રહ્યું છે. ગુકેશ ડી એ ભારત માટે ઇતિહાસ રચી દીધો છે. તે વર્લ્ડ ચેસ ચેમ્પિયનશિપ 2024નો ખિતાબ જીતનાર બીજો ભારતીય બની ગયો છે. ગુકેશે ચીનના ડિંગ લિરેનને હરાવીને આ ખિતાબ પોતાના નામે કર્યો છે. ગુકેશના માતા-પિતા બંને ડોક્ટર છે. બંનેએ ગુકેશનો ચેમ્પિયન બનાવવા માટે મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે.
ગુકેશની માતાએ એક વાર જણાવ્યું હતું કે, ગુકેશ ભણતરમાં ખૂબ હોશિયાર હતો, એક દિવસ ગુકેશના શિક્ષકે મને જણાવ્યું કે ગુકેશ ખૂબ સારું ચેસ રમે છે. તે પોતાનાથી મોટી ઉંમરના પ્લેયરને હરાવી દેતો હતો. અમને લાગે છે કે, ચેસમાં તે પોતાનું કરિયર બનાવી શકે છે. હું ત્યારેથી જ ઇચ્છતી હતી કે મારો દીકરો ચેસ જ રમે.
જણાવી દઈએ કે દરેક પ્રવાસમાં ગુકેશની માતા તેની સાથે જ રહેતી. તે પોતાના દીકરા માટે ભોજન બનાવે છે અને દરેક ટૂરમાં સાથે જ રહે છે. ગુકેશની માતા એક માઇક્રોબાયોલોજિસ્ટ છે. ગુકેશે જીત પછી પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે, મારા પિતા મારી સાથે જ છે. મારી માતા જતી રહી છે, પરંતુ પાછી આવશે તો અમે સાથે ઉજવણી કરીશું.
ગુકેશના પિતા સર્જન છે. તે પોતાના દીકરા માટે પોતાનું કામ છોડવા માટે તૈયાર હતા. જ્યારે પણ ગુકેશની કોઈ ટુર્નામેન્ટ હોય તો તે તેની સાથે જ જતા હતા. મહિનામાં 15 દિવસ તે ગુકેશ સાથે જ રહેતા હતા. ત્યાર બાદ 15 દિવસ તે પોતાનું કામ કરતા હતા. તેની અસર તેના કરિયર પર પણ પડી શકી હોત પરંતુ તે આવું કરવાથી ક્યારેય ડર્યા નહોતા.
ગુકેશે પહેલીવાર 2015માં એશિયન સ્કૂલ ચેસ ચેમ્પિયનશિપની અંડર 9 ક્લાસમાં જીત મેળવી હતી. ત્યાર બાદ તેણે વર્ષ 2018માં વિશ્વ યુવા ચેસ ચેમ્પિયનશિપ જીતી હતી. 2018માં એશિયન યુવા ચેસ ચેમ્પિયનશિપમાં ગુકેશે પાંચ ગોલ્ડ મેડલ જીત્યાં હતા. તે માર્ચ 2018માં ફ્રાન્સના 34માં ઓપન ડે કેપેલ લા ગ્રાન્ડે ચેસ ટુર્નામેન્ટમાં એક ઇન્ટરનેશનલ માસ્ટર બન્યો હતો.