પંજાબમાંથી પાકિસ્તાની જાસૂસ ઝડપાયો, ખાલિસ્તાની આતંકવાદી સાથે કનેક્શન
પાકિસ્તાન માટે જાસૂસી કરવાની શંકામાં વધુ એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. પંજાબ પોલીસે આ કાર્યવાહી કરી હોવાનું જાણવા મળે છે. તેના પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી સાથે સંબંધો હોવાના આરોપો છે. આ ઉપરાંત, એવો પણ દાવો કરવામાં આવી રહ્યો છે કે તેની પાસે આતંકવાદી હાફિઝ સઈદ સાથેનો ફોટો છે. જોકે, આ અંગે સ્પષ્ટ રીતે કંઈ કહેવામાં આવ્યું નથી. હાલમાં, પોલીસ આ મામલાની તપાસ કરી રહી છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આરોપીની ઓળખ ગગનદીપ સિંહ તરીકે થઈ છે. તે પાકિસ્તાની ગુપ્તચર એજન્સી ઈંજઈં તેમજ ખાલિસ્તાની આતંકવાદી ગોપાલ સિંહ ચાવલા સાથે પણ સંપર્કમાં હતો. એવું જાણવા મળે છે કે તે લાંબા સમયથી સરહદ પર સેનાની ગતિવિધિઓ વિશે પણ માહિતી આપી રહ્યો હતો. તેણે ઓપરેશન સિંદૂર દરમિયાન સંવેદનશીલ માહિતી પણ શેર કરી હતી.
અહેવાલ મુજબ, પંજાબ પોલીસના ડીજી ગૌરવ યાદવે જણાવ્યું હતું કે, પ્રારંભિક તપાસમાં જાણવા મળ્યું છે કે ગગનદીપ સિંહ ખાલિસ્તાની આતંકવાદી ગોપાલ સિંહ ચાવલા સાથે સંપર્કમાં હતો, જે છેલ્લા પાંચ વર્ષથી પાકિસ્તાનમાં રહે છે. તેના દ્વારા તે પીઆઈઓ એટલે કે પાકિસ્તાન ઇન્ટેલિજન્સ ઓપરેટિવ્સના સંપર્કમાં આવ્યો હતો. તેને ભારતીય માધ્યમો દ્વારા પીઆઈઓ પાસેથી ચૂકવણી પણ મળી છે.
એવું કહેવામાં આવી રહ્યું છે કે તેની પાસેથી એક મોબાઇલ પણ મળી આવ્યો છે, જેમાં ગુપ્ત માહિતી છે. તે આ માહિતી પાકિસ્તાની એજન્ટો સાથે શેર કરી રહ્યો હતો. તેના આઈએસઆઈના 20 થી વધુ લોકોના સંપર્ક છે.