પાકિસ્તાને LOC પર યુદ્ધવિરામ ભંગ કર્યો: ભારતે જડબાતોડ જવાબ આપી પાઠ ભણાવ્યો
પૂંછ જિલ્લામાં ભારતીય ચોકીઓ પર વિના ઉશ્કેરણીએ દુશ્મનનું અડપલું: આ વર્ષે યુદ્ધવિરામ ભંગનો પ્રથમ બનાવ
પાકિસ્તાની સૈનિકોએ બુધવારે જમ્મુ અને કાશ્મીરના પુંછ જિલ્લામાં નિયંત્રણ રેખા (એલઓસી) પર ભારતીય ચોકીઓ પર ઉશ્કેરણી વિના ફાયરિંગનો આશરો લીધો હતો. જે બાદ ભારતીય સેનાએ તેમને જડબાતોડ જવાબ આપ્યો હતો. સુરક્ષા અધિકારીઓએ આ માહિતી આપી છે. ભારતીય સૈનિકોના ગોળીબારના કારણે પાકિસ્તાનને મોટું નુકસાન થયું છે.
અગાઉ, જમ્મુ જિલ્લાના અખનૂર સેક્ટરમાં નિયંત્રણ રેખા નજીક શંકાસ્પદ આતંકવાદીઓ દ્વારા કરવામાં આવેલા IED બ્લાસ્ટમાં ભારતીય સેનાના બે જવાનો શહીદ થયા હતા.
25 ફેબ્રુઆરી, 2021 ના રોજ ભારત અને પાકિસ્તાની સેનાઓ વચ્ચે યુદ્ધવિરામ કરાર ફરીથી લાગુ થયા પછી નિયંત્રણ રેખા પર યુદ્ધવિરામનું ઉલ્લંઘન ખૂબ જ દુર્લભ બન્યું હતું. અધિકારીઓએ જણાવ્યું કે પાકિસ્તાની સૈનિકોએ નિયંત્રણ રેખાના તરકુંડી વિસ્તારમાં આગળની ચોકી પર ઉશ્કેરણી વિના ગોળીબાર કર્યો. ભારતીય સેનાએ જોરદાર જવાબ આપ્યો અને પરિણામે દુશ્મન દળોને ભારે નુકસાન થયું.
દરમિયાન, અધિકારીઓએ જણાવ્યું હતું કે ભારતીય સેનાના એક જુનિયર કમિશન્ડ ઓફિસર (JCO)ને સાંજે તે જ વિસ્તારમાં લેન્ડમાઈન પર પગ મૂકતી વખતે સામાન્ય ઈજા થઈ હતી. ઘાયલ અધિકારીને સેનાની હોસ્પિટલમાં મોકલવામાં આવ્યો હતો.
અધિકારીઓએ એમ પણ જણાવ્યું હતું કે નિયંત્રણ રેખા પર સ્થિતિ તણાવપૂર્ણ છે કારણ કે છેલ્લા અઠવાડિયામાં સરહદ પારથી પ્રતિકૂળ ગતિવિધિઓ વધી છે. આ વર્ષે આ પ્રથમ યુદ્ધવિરામ ભંગ હતો અને પાંચ દિવસમાં સરહદ પારની ચોથી ઘટના હતી.
સોમવારે, રાજૌરી જિલ્લાના નૌશેરા સેક્ટરમાં કલાલ વિસ્તારમાં ફોરવર્ડ પોસ્ટની રક્ષા કરતી વખતે સરહદ પારથી ગોળીબારને કારણે એક સૈનિક ઘાયલ થયો હતો. 8 ફેબ્રુઆરીએ રાજૌરીના કેરી સેક્ટરમાં આતંકવાદીઓએ ભારતીય સેનાની પેટ્રોલિંગ પાર્ટી પર ગોળીબાર કર્યો હતો. આતંકવાદીઓ ભારતીય સરહદમાં ઘૂસવાની તકની રાહ જોઈ રહ્યા હતા.
4 અને 5 ફેબ્રુઆરીની રાત્રે કૃષ્ણા ઘાટી સેક્ટરમાં લેન્ડમાઈન બ્લાસ્ટને કારણે આતંકીઓને નુકસાન થયું હતું. તેઓ ભારતીય સરહદમાં પ્રવેશવાનો પ્રયાસ કરી રહ્યા હતા.
10 ફેબ્રુઆરીના રોજ, જમ્મુ સ્થિત વ્હાઇટ નાઈટ કોર્પ્સના જનરલ ઓફિસર કમાન્ડિંગ (goc) લેફ્ટનન્ટ જનરલ નવીન સચદેવાએ રાજૌરી જિલ્લામાં નિયંત્રણ રેખાનું નિરીક્ષણ કર્યું હતું. ભારતીય સેનાએ કહ્યું, goc વ્હાઇટ નાઈટ કોર્પ્સ, goc અભય જ્ઞર જાફમયત અને goc ક્રોસ્ડ સ્વોર્ડ ડિવિઝનએ રાજૌરી સેક્ટરમાં આગળના વિસ્તારોની મુલાકાત લીધી અને વર્તમાન સુરક્ષા સ્થિતિ અને પાકિસ્તાની ગતિવિધિઓ પર ઓપરેશનલ અપડેટ્સ લીધા, ભારતીય સેનાએ જણાવ્યું હતું.