પાક. ઉંચું-નીચું થશે તો ફરી ઓપરેશન સિંદૂર: રાજનાથનો ખોંખારો
ભારતીય દળોએ 9 અડ્ડાઓ પર ત્રાટકી 100થી વધુ આતંકીઓનો ખાત્મો બોલાવ્યાનો સંરક્ષણમંત્રીનો જવાબ, પાક.ને આતંકવાદની નર્સરી ગણાવી, કોઇના દબાણ હેઠળ ઓપરેશન નહીં રોક્યાની પણ સ્પષ્ટતા
લોકસભામાં ‘ઓપરેશન સિંદૂર’ ઉપર મહાચર્ચા શરૂ
સંસદના સત્રમાં આજે ‘ઓપરેશન સિંદુર’ અંગે ચર્ચા પૂર્વે બપોરે બે વાગ્યા સુધી વિપક્ષની ધમાલના કારણે કાર્યવાહી સ્થગીત રહ્યા બાદ બપોરે બે વાગ્યાથી ઓપરેશન સિંદુરના મામલે ચર્ચા શરૂ થઇ હતી અને સંરક્ષણમંત્રી રાજનાથસિંહે જવાબ આપ્યો હતો અને ઓપરેશન સિંદુર અંગે પ્રશ્ર્નો પુછનાર વિપક્ષોને જ કઠેડામાં ઉભા કરી દીધા હતા.
રાજનાથસિંહે કહ્યું કે, પાકિસ્તાની સેના અને આઇએસઆઇ પ્રોકસી વોર ચલાવે છે. આ મોદીજીના નેતૃત્વ હેઠળનું ભારત છે જે કોઇપણ હદ સુધી જઇ શકે છે. આપણે શાંતિ માટે પ્રયાસો કેવી રીતે કરવા તે જાણીએ છીએ અને અશાંતિ ફેલાવનારાઓના હાથોને કેવી રીતે ઉખેડી નાખવા તે પણ જાણીએ છીએ. આપણે ભગવાન કૃષ્ણ પાસેથી શિખ્યા છીએ કે ધર્મનું રક્ષણ કરવા માટે સુદર્શન ચક્ર ઉઠાવવું પડે છે. હવે અમે સુદર્શન ચક્ર ઉઠાવી લીધું છે.
સંરક્ષણમંત્રીએ પાકિસ્તાનને આતંકવાદની નર્સરી ગણાવતા જણાવ્યું હતું કે, જો પાકિસ્તાન ઉંચુ-નીચુ થશે તો ઓપેરશન સિંદુર ફરીથી ચલાવવામાં આવશે. તેમણે કોઇપણ દબાણ હેઠળ ઓપરેશન અટકાવવાના દાવા સંપુર્ણ ખોટા ગણાવ્યા હતા.
સંસદની કાર્યવાહી બપોરે શરૂૂ થતા રાજનાથ સિંહે ઓપરેશન સિંદૂર પર બોલવાનું શરૂૂ કર્યું હતું. રાજનાથ સિંહે કહ્યું કે નહું સમગ્ર દેશ વતી સેનાના સૈનિકોનો આભાર માનું છું. આજે હું ઓપરેશન સિંદૂર સંબંધિત કેટલાક મહત્વપૂર્ણ મુદ્દાઓ રજૂ કરવા માટે અહીં ઉભો છું. સેનાએ ઓપરેશન સિંદૂર દ્વારા લશ્કરી કાર્યવાહી કરી હતી. તે આતંકવાદ સામે અસરકારક અને નિર્ણાયક પ્રદર્શન હતું.
22 એપ્રિલના રોજ પહેલગામમાં આતંકવાદી હુમલો થયો હતો. આ હુમલામાં, એક નેપાળી નાગરિક સહિત આપણા 25 નિર્દોષ નાગરિકો માર્યા ગયા હતા. તે લોકોનો ધર્મ પૂછીને મારવામાં આવ્યા હતા. આ ઘટના ભારતની સહિષ્ણુતાની મર્યાદાની પણ કસોટી હતી.થ નપીએમ મોદીએ સેનાને નિર્ણાયક કાર્યવાહી કરવાની સ્વતંત્રતા આપી હતી. આ પછી, આપણા લશ્કરી નેતૃત્વએ સંપૂર્ણ પરિપક્વતા સાથે પ્રતિક્રિયા આપી હતી. ઓપરેશન સિંદૂર હાથ ધરતા પહેલા, આપણા દળોએ દરેક વિકલ્પનો સંપૂર્ણ ઊંડાણપૂર્વક જવાબ આપ્યો હતો. અમે એવા વિકલ્પો પસંદ કર્યા જેનાથી આતંકવાદીઓને નુકસાન થયું અને સામાન્ય નાગરિકોને કોઈ નુકસાન થયું નહીં. આપણા દળોએ 9 આતંકવાદી ઠેકાણાઓને ચોકસાઈથી નિશાન બનાવ્યા હતા. આ હુમલાઓમાં 100 થી વધુ આતંકવાદીઓ, તેમના હેન્ડલર્સ, ટ્રેનર્સ માર્યા ગયા હતા. આ આતંકવાદી સંગઠનોને પાકિસ્તાની સેનાનો ખુલ્લેઆમ ટેકો છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ઓપરેશન સિંદૂર 6-7 મેની રાત્રે શરૂૂ થયું. આમાં, મુઝફ્ફરાબાદના સવાઈ નાલા, કોટલીમાં અબ્બાસ કેમ્પ, બહાવલપુર, મુરીદકે, સરજલ વગેરેમાં આતંકવાદી ઠેકાણાઓને નિશાન બનાવવામાં આવ્યા હતા. આમાંથી 7 ઠેકાણા સંપૂર્ણપણે નાશ પામ્યા હતું. આખું ઓપરેશન ફક્ત 22 મિનિટમાં સમાપ્ત થયું અને અમે આતંકવાદીઓને તેમના ઘરમાં ઘૂસીને મારી નાખ્યા હતા. આમ સશસ્ત્ર દળો તેમના બધા ઉદ્દેશ્યો પ્રાપ્ત કરવામાં સફળ રહ્યા. 7-8 મે 2025ની રાત્રે અમારા સફળ ઓપરેશન પછી, પાકિસ્તાને ઉશ્કેરણીજનક કાર્યવાહી કરીને ભારતીય વાયુસેનાના ઠેકાણાઓ પર હુમલો કર્યો હતા.
જો કે, અમારી સંકલિત સંરક્ષણ પ્રણાલીએ તે હુમલાઓને નિષ્ફળ બનાવ્યા હતા. એસ-400, આકાશ મિસાઇલો ખૂબ અસરકારક સાબિત થઈ હતી. અમારી કાર્યવાહી સ્વ-બચાવમાં હતી, તે ન તો ઉશ્કેરણીજનક હતી કે ન તો વિસ્તરણવાદી. પાકિસ્તાનના હુમલા 10 મે સુધી ચાલુ રહ્યા હતા. તેમના લક્ષ્યો વાયુસેનાના ઠેકાણા, આર્મી ડેપો, લશ્કરી છાવણીઓ હતા. એ કહેવું ગર્વની વાત છે કે અમારા હવાઈ સંરક્ષણે આ હુમલાને સંપૂર્ણપણે નિષ્ફળ બનાવ્યો અને અમારી કોઈ પણ મહત્વપૂર્ણ સંપત્તિને નુકસાન થયું નહીં.
પહેલગામ હુમલાના આતંકીઓ પાકિસ્તાનથી આવ્યાના પુરાવા માગતા કોંગ્રેસના નેતાઓ
કોંગ્રેસના નેતા અને ભૂતપૂર્વ નાણામંત્રી પી ચિદમ્બરમનું એક નિવેદન પ્રકાશમાં આવ્યું છે, જેનાથી વિવાદ થયો છે. એક ઇન્ટરવ્યુમાં તેમણે પહેલગામ આતંકવાદી હુમલા વિશે કહ્યું છે કે આતંકવાદીઓ પાકિસ્તાનથી આવ્યા હોવાના પુરાવા ક્યાંથી મળ્યા છે. પી ચિદમ્બરમ કહે છે કે NIAએ આટલા દિવસોમાં શું કર્યું છે. શું તેઓએ આતંકવાદીઓને ઓળખી કાઢ્યા છે, શું તેઓએ શોધી કાઢ્યું છે કે તેઓ ક્યાંથી આવ્યા છે. તેઓ હોમ ગ્રોન ટેરરિસ્ટ પણ હોઈ શકે છે. તમે કેવી રીતે વિચારી શકો છો કે આતંકવાદીઓ પાકિસ્તાનથી આવ્યા હતા. અમારી પાસે હજુ સુધી આનો કોઈ પુરાવો નથી. આજે સંસદમાં ઓપરેશન સિંદૂર પર ચર્ચા થશે. આ ચર્ચા પહેલા, કોંગ્રેસ પાર્ટી નરેન્દ્ર મોદી સરકાર પર હુમલો કરી રહી છે. સહારનપુરના કોંગ્રેસ પાર્ટીના સાંસદ ઇમરાન મસૂદે ભાજપ સરકારને આતંકવાદીઓ ભારતમાં કેવી રીતે ઘૂસ્યા અને તેઓ આ ઘટનાને કેવી રીતે અંજામ આપીને ચાલ્યા ગયા તે સમજાવવા કહ્યું છે.બીજી તરફ કોંગ્રેસ સાંસદ ઇમરાન મસૂદે કહ્યું, ...જો આતંકવાદીઓ પાકિસ્તાનથી આવ્યા હોય, તો આપણી સરહદ કેવી રીતે સુરક્ષિત છે? અને જો તેઓ આવ્યા અને ગયા, તો તમે અમને કહો, હું તમને પ્રશ્નો પૂછીશ... શું તેમને એરલિફ્ટ કરવામાં આવ્યા હતા કે હવામાં ઉતારવામાં આવ્યા હતા?... તેઓ ક્યાંથી આવ્યા અને ક્યાં ગયા, અમને જણાવો ભાઈ? પક્ષના અન્ય એક નેતા પ્રમોદ તિવારીએ કહ્યું- સરકારે કહેવું જોઈએ કે આતંકવાદીઓ કોણ છે?