પહેલગામ વિસ્તાર સરકારની જાણ બહાર ખુલ્લો મૂકી દેવાયો
જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા ભયાનક આતંકવાદી હુમલા બાદ કેન્દ્ર સરકારે ગુરુવારે તમામ રાજકીય પક્ષોની એક સર્વપક્ષીય બેઠક બોલાવી હતી. આ બેઠક બાદ કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુએ જણાવ્યું કે બેઠક ખૂબ જ સકારાત્મક રહી અને સરકારે સ્વીકાર્યું છે કે આ ઘટનામાં ક્યાંકને ક્યાંક ચૂક રહી ગઈ છે, જેની તપાસ કરવામાં આવશે.
સર્વપક્ષીય બેઠક પૂર્ણ થયા બાદ પત્રકારો સાથે વાત કરતા કિરેન રિજિજુએ જણાવ્યું કે, સૌપ્રથમ રક્ષા મંત્રી રાજનાથ સિંહે કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટી (CCS) ની બેઠકમાં થયેલી ચર્ચા અંગે તમામને માહિતી આપી હતી. તેમણે કહ્યું કે, કાશ્મીરમાં બનેલી દુર્ભાગ્યપૂર્ણ ઘટના અંગે દરેક પક્ષના નેતાઓએ ચિંતા વ્યક્ત કરી હતી અને બધા સહમત હતા કે ભારતે આતંકવાદ સામે એક થઈને લડવું જોઈએ. રિજિજુએ જણાવ્યું કે તમામ પક્ષોના નેતાઓએ સરકારને સહકાર આપવાની ખાતરી આપી છે અને બેઠક ખૂબ જ સકારાત્મક માહોલમાં યોજાઈ હતી. આવા સંવેદનશીલ સમયે એકબીજા વિરુદ્ધ રાજકારણ ન કરવા અને દેશ એકજૂટ રહે તેવી અપીલ પણ કરવામાં આવી હતી.
મીટિંગમાં સરકાર વતી કિરેન રિજિજુએ સ્વીકાર્યું કે, તેમાં (ઘટનામાં) કોઈ ખામી છે અને તે ચૂક કેમ થઈ તે અમે જોઈ રહ્યા છીએ. તેમણે વધુમાં કહ્યું કે, જો કોઈ ચૂક ન થઈ હોત, તો આપણે અહીં બેઠા ન હોત. આ નિવેદન દ્વારા સરકારે પરોક્ષ રીતે સુરક્ષા વ્યવસ્થામાં ક્યાંક ચૂક થઈ હોવાનું સ્વીકાર્યું છે અને તેની તપાસ કરવાનો ઇરાદો વ્યક્ત કર્યો છે. સરકારે આતંકવાદ સામે વધુ કડક પગલાં લેવાનો ઇરાદો પણ વ્યક્ત કર્યો છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, સર્વપક્ષીય બેઠકમાં વિરોધ પક્ષો દ્વારા પહેલગામ હુમલામાં સુરક્ષા લેપ્સ અંગે કેટલીક ગંભીર ચિંતાઓ વ્યક્ત કરવામાં આવી હતી. વિરોધ પક્ષોએ સવાલ કર્યા કે સુરક્ષા દળો ક્યાં હતા? ઈછઙઋ ક્યાં હતી? મદદ પૂરી પાડવામાં આટલો સમય કેમ લાગ્યો? તે અંગે પણ સવાલ કરાયો હતો. ગુપ્તચર એજન્સીઓ ક્યાં હતી? તે અંગે પણ પ્રશ્નો પૂછાયા હતા.
સુરક્ષા લેપ્સ પર સરકારે કહ્યું કે સ્થાનિક સત્તાવાળાઓએ વિસ્તારો ખોલતા પહેલા જાણ કરી ન હતી, જે થવું જોઈતું હતું. સ્થાનિક પોલીસને પણ જાણ કરવામાં આવી ન હતી. આ વિસ્તાર સામાન્ય રીતે અમરનાથ યાત્રા દરમિયાન જૂનમાં ખુલે છે, પરંતુ સ્થાનિક ટૂર ઓપરેટરોએ તેને ખોલી દીધો હતો.
મદદ પૂરી પાડવામાં વિલંબ પર સરકારે કહ્યું કે ત્યાં (ઘટનાસ્થળે) પહોંચવા માટે 45 મિનિટ ચાલવું પડે છે, તેથી સમય લાગે છે. ત્યાં કોઈ વ્યવસ્થા નહોતી. ગુપ્તચર નિષ્ફળતા પર સરકારે કહ્યું કે ક્યાંક ગરબડ થઈ છે, જેની તપાસ થવી જોઈએ.
--