'ચુંટણીમાં ઓવર કોન્ફિડન્ટ સારો નથી…' હરિયાણામાં કોંગ્રેસની હાર પર કેજરીવાલે કર્યા આકરા પ્રહારો
હરિયાણા વિધાનસભા ચૂંટણીના પરિણામો હવે સ્પષ્ટ છે. ફરી એકવાર એટલે કે સતત ત્રીજી વખત રાજ્યમાં ભાજપની સરકાર બને તેમ લાગી રહ્યું છે. કોંગ્રેસને આ વખતે જીતની આશા હતી પરંતુ ભાજપે તેની આશા પર પાણી ફેરવી દીધું છે. હવે આ પરિણામોની પ્રતિક્રિયાઓ પણ બહાર આવી રહી છે. અરવિંદ કેજરીવાલે પણ કોંગ્રેસ પર નિશાન સાધ્યું છે. કેજરીવાલે કહ્યું કે ચૂંટણી પરિણામોનો 'સૌથી મોટો પાઠ' એ છે કે ચૂંટણીમાં ક્યારેય 'ઓવર કોન્ફિડન્ટ' ન હોવું જોઈએ.
અરવિંદ કેજરીવાલે કહ્યું કે 'ચૂંટણીના પરિણામોનો સૌથી મોટો પાઠ એ છે કે ચૂંટણીમાં ક્યારેય વધારે આત્મવિશ્વાસ ન રાખવો જોઈએ. કેજરીવાલનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે ભાજપ હરિયાણાની 90 વિધાનસભા સીટો પર સ્પષ્ટ બહુમતી સાથે સરકાર બનાવતી દેખાઈ રહી છે.
AAP મ્યુનિસિપલ કોર્પોરેશનના સભ્યોના જૂથને સંબોધતા કેજરીવાલે કહ્યું, 'ચાલો જોઈએ કે હરિયાણામાં શું પરિણામ આવે છે. તેનો સૌથી મોટો પાઠ એ છે કે ચૂંટણીમાં ક્યારેય વધારે આત્મવિશ્વાસ ન રાખવો જોઈએ. કોઈપણ ચૂંટણીને હળવાશથી લેવી જોઈએ નહીં. દરેક ચૂંટણી અને દરેક બેઠક મુશ્કેલ છે.
તમને જણાવી દઈએ કે હરિયાણા ચૂંટણીમાં AAP-કોંગ્રેસના ગઠબંધન માટે ઘણા પ્રયાસો કરવામાં આવ્યા હતા. પરંતુ ગઠબંધન થઈ શક્યું નથી. આ પછી, AAP રાજ્યની કુલ 90 બેઠકોમાંથી 89 પર એકલા ચૂંટણી લડી હતી. લગભગ તમામ સીટો પર AAPના ઉમેદવારો ભાજપ અને કોંગ્રેસથી પાછળ છે. ચૂંટણી પ્રચાર દરમિયાન કેજરીવાલે અગાઉ કહ્યું હતું કે AAPના સમર્થન વિના રાજ્યમાં કોઈ સરકાર બનશે નહીં.