મધ્યપ્રદેશમાં 50થી વધુ ગાયોને ધસમસતી નદીમાં ફેંકી, 20નાં મોત
ચાર નરાધમોની ધરપકડ
મધ્યપ્રદેશના સતના જિલ્લામાં કેટલાંક નરાધમો દ્વારા લગભગ 50 જેટલી ગાયોને ધસમસતી નદીમાં ફેંકવાની ઘટના ઘટી છે. આ અંગેનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે, ત્યારે પોલીસે વીડિયોના આધારે ચાર લોકો વિરુદ્ધ કેસ કર્યો છે. મળતી માહિતી મુજબ મંગળવારે નાગૌદ પોલીસ સ્ટેશન અંતર્ગત થયેલી ઘટનામાં લગભગ 15થી 20 ગાયોના મોત થયા છે.
નાગૌદ પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ અશોક પાંડેએ આ અંગે જાણકારી આપતા કહ્યું, મંગળવારની સાંજે જ બમહોર પાસે રેલવે પુલની નીચે કેટલાંક લોકો દ્વારા ગાયોને સતના નદીમાં ફેંકવાનો એક વીડિયો સામે આવ્યો હતો. આ અંગે સંજ્ઞાન લેતા પોલીસને ઘટના સ્થળે મોકલવામાં આવી અને પછી કેસ દાખલ કરાયો છે. તેમણે જણાવ્યું કે, આ મામલે પોલીસે ચાર લોકોની ધરપકડ કરી છે જેમની ઓળખાણ રવિ બાગરી રામપાલ ચૌધરી, બાગરી અને રાજલૂ ચૌધરી તરીકે થઈ છે.
આરોપ છે કે આ ચારેયે મંગળવારે ગાયોને માર મારીને નદીમાં ફેંકી હતી જેના કારણે ગાયોની તડપી તડપીને ડૂબવાથી મોત થયું છે. આ દરમિયાન ગાયોને બચવાના પણ અનેક પ્રયાસ કર્યા પરંતુ નદીનો પ્રવાહ એટલો જોરદાર હતો કે તેઓ તેમાં ડૂબી ગઈ. પોલીસ ઈન્ચાર્જે કહ્યું કે, પ્રાથમિક જાણકારી મુજબ લગભગ 50 ગાયો હતી અને તેમાંથી 15થી 20નાં મોત થયા છે. સાથે જ તેમણે કહ્યું કે, નદીમાં ફેંકવામાં આવેલી ગાયોની યોગ્ય સંખ્યા અને તેમની મોતનો ખ્યાલ તપાસ બાદ જ આવશે.