ધુરંધર ફિલ્મના શૂટિંગ દરમિયાન 100થી વધુને ફૂડ પોઇઝનિંગ
બોલિવૂડ સાથે જોડાયેલા એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. લદ્દાખમાં એક ફિલ્મનું શૂટિંગ ચાલી રહ્યું હતું. જેમાં એક એવી દુર્ઘટના થઈ છે કે જેણે બધાને ચોંકાવી દીધા છે. શૂટિંગ દરમિયાન મોડી રાત્રે ફિલ્મ યુનિટના 100થી વધુ સભ્યો ફૂડ પોઈઝનિંગનો ભોગ બન્યા છે. ત્યારબાદ તેમને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. જે ફિલ્મનું શૂટિંગ ચાલી રહ્યું હતું તેનું નામ ધુરંધર છે. તેમાં રણવીર સિંહ મુખ્ય ભૂમિકામાં છે. આ શૂટિંગ લદ્દાખના પત્થર સાહિબમાં ચાલી રહ્યું હતું.
અધિકારીઓએ આ સમાચારની પુષ્ટિ કરી છે. તેમણે કહ્યું કે, ફિલ્મ યુનિટ એક અપકમિંગ ફિલ્મના શૂટિંગમાં વ્યસ્ત હતું. જ્યારે અચાનક ઘણા લોકોએ પેટમાં દુખાવો, ઉલટી અને માથાનો દુખાવો થવાની ફરિયાદ કરી. બધાને તાત્કાલિક લેહની સજલ નરબુ મેમોરિયલ (SNM) હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા. ડોક્ટરોએ તેને સામૂહિક ફૂડ પોઈઝનિંગનો કેસ ગણાવ્યો છે. એક અધિકારીએ જણાવ્યું કે, ઘટના પહેલા શૂટિંગ સ્થળે લગભગ 600 લોકોએ જમ્યા હતા.