For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ભાજપે બે યાદીમાં જાહેર કરેલા કુલ 276 ઉમેદવારોમાંથી 21% વર્તમાન સાંસદો ઘરભેગાં

11:53 AM Mar 14, 2024 IST | Bhumika
ભાજપે બે યાદીમાં જાહેર કરેલા કુલ 276 ઉમેદવારોમાંથી 21  વર્તમાન સાંસદો ઘરભેગાં
  • દિલ્હીમાં સાતમાંથી માત્ર એક જ રિપીટ: કર્ણાટકમાં 20માંથી માત્ર આઠને જ ફરી તક

ભાજપે અત્યાર સુધી લોકસભા ચૂંટણી માટે બે યાદીઓ જાહેર કરી છે. બંને યાદીમાં 276 ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે. ખાસ વાત એ છે કે આ વખતે પાર્ટીએ લગભગ 21% વર્તમાન સાંસદોની ટિકિટ રદ્દ કરી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, ભાજપે સંભવિત સત્તા વિરોધી લહેરને ધ્યાનમાં રાખીને અને ગ્રાઉન્ડ ફીડબેક બાદ બનાવેલી રણનીતિ મુજબ ઉમેદવારોના નામોને મંજૂરી આપી દીધી છે. આગામી લોકસભા ચૂંટણીમાં પોતાના દમ પર 370 બેઠકો જીતવાના લક્ષ્ય સાથે ઉમેદવારોની પસંદગી પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે. પાર્ટીએ 2019 કરતાં 67 વધુ બેઠકો જીતવાનું લક્ષ્ય રાખ્યું છે.
ભાજપે 2 માર્ચે ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી હતી, યાદીમાં 195 ઉમેદવારોના નામ હોવા છતાં 33 સાંસદોની ટિકિટ કાપવામાં આવી હતી, પ્રજ્ઞા ઠાકુર, રમેશ બિધુરી અને પ્રવેશ વર્માના નામ પણ કપાયેલાઓમાં સામેલ છે. બુધવાર, 13 માર્ચે ભાજપે 72 નામોની બીજી યાદી જાહેર કરી, જેમાં 30 સાંસદોને દરવાજો દેખાડવામાં આવ્યો. ભાજપની બંને યાદીમાં સામેલ 267 નામોમાંથી મોટા ભાગના વર્તમાન સાંસદોની ટિકિટ રદ કરવામાં આવી છે. પાર્ટીએ 140 સાંસદોને રિપીટ કર્યા છે અને 67 સાંસદોની ટિકિટ રદ કરી છે. જે બે સાંસદોની ટિકિટ કેન્સલ કરવામાં આવી છે તેમાં ગૌતમ ગંભીરનું નામ પણ સામેલ છે. તેમના સ્થાને પાર્ટીએ પૂર્વ દિલ્હીમાં હર્ષ મલ્હોત્રાને પોતાનો ઉમેદવાર બનાવ્યો છે. જોકે ગૌતમ ગંભીરે ચૂંટણી નહીં લડવાની જાહેરાત કરી દીધી હતી.

Advertisement

બીજેપીની બીજી યાદીમાં મહારાષ્ટ્ર અને કર્ણાટકમાંથી 20-20, ગુજરાતના 7, તેલંગાણા અને હરિયાણામાંથી 6-6, મધ્ય પ્રદેશમાંથી 5, દિલ્હી, ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશમાંથી 2-2 અને દાદરા અને નગર હવેલીમાંથી 1-1 નામ સામેલ છે.

દિલ્હીમાં ભાજપે પોતાના છ વર્તમાન સાંસદોને બદલી નાખ્યા છે. પાર્ટીએ ફરી માત્ર મનોજ તિવારીને જ ટિકિટ આપી છે. જ્યારે કર્ણાટક માટે જાહેર કરાયેલા 20 ઉમેદવારોમાંથી પાર્ટીએ 11 સાંસદો બદલ્યા છે, જ્યારે માત્ર આઠને બીજી તક આપવામાં આવી છે. જો મહારાષ્ટ્રની વાત કરીએ તો અહીં ભાજપે ફરી 14 વર્તમાન સાંસદો પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે. માત્ર 5 સાંસદોની ટિકિટ કપાઈ છે. જે સાંસદોને બીજી તક મળી છે તેમાં નાગપુરના કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીનો સમાવેશ થાય છે. બીડમાં પ્રીતમ મુંડેની જગ્યાએ તેમની બહેન પંકજા મુંડેને ટિકિટ આપવામાં આવી છે.
બીજી યાદીમાં ગુજરાતના સાત વર્તમાન સાંસદોમાંથી માત્ર ત્રણ જ રિપીટ થયા છે. કેન્દ્રીય મંત્રી દર્શના જરદોશના સ્થાને મુકેશ દલાલને તક આપવામાં આવી છે. હરિયાણામાં જાહેર કરાયેલા છ ઉમેદવારોમાંથી ત્રણ વર્તમાન સાંસદોને બીજી તક આપવામાં આવી છે અને બેને બદલવામાં આવ્યા છે. જે સીટ પર સીટીંગ સાંસદનું અવસાન થયું હતું તે સીટ માટે ઉમેદવારનું નામ પણ જાહેર કરવામાં આવ્યું છે.

Advertisement

ગત વખતે 4 બેઠકો જીતનાર તેલંગાણામાં ભાજપે ફરી એક સાંસદને ટિકિટ આપી છે અને એકની ટિકિટ રદ કરી છે. બીજી યાદીમાં મધ્યપ્રદેશના પાંચ ઉમેદવારોમાંથી બે સાંસદોને વધુ એક તક આપવામાં આવી છે અને બેની ટિકિટ કાપવામાં આવી છે. પાર્ટીએ છિંદવાડા મતવિસ્તારમાં નકુલ નાથ સામે વિવેક સાહુ નામના નવા ઉમેદવારને મેદાનમાં ઉતાર્યા છે.
બીજી યાદીમાં હિમાચલના બંને સાંસદોને ફરીથી ટિકિટ આપવામાં આવી છે, જેમાં હમીરપુરથી કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરનું નામ પણ સામેલ છે. ઉત્તરાખંડના બંને સાંસદોની બદલી કરવામાં આવી છે. ભાજપે ત્રિપુરામાં એક સાંસદને બદલ્યા છે, જ્યારે દાદરા અને નગર હવેલીના સાંસદ, જે શિવસેનાના ઉદ્ધવ ઠાકરે જૂથ સાથે હતા, હવે ભાજપની ટિકિટ પર ચૂંટણી લડશે.

Advertisement
Tags :
Advertisement
Advertisement