કાશ્મીરમાં IHPL ક્રિકેટ ટૂર્નામેન્ટના આયોજકો ભાગી ગયા, ખેલાડીઓ ફસાયા
ક્રિસ ગેલ, જેસી રાઇડર, થિસારા પરેરા જેવા સ્ટાર ખેલાડીઓ પરેશાન
જમ્મુ અને કાશ્મીરમાં ક્રિકેટને વૈશ્વિક સ્તરે લાવવાના ઉદ્દેશ સાથે શરૂૂ કરાયેલી ઇન્ડિયન હેવન પ્રીમિયર લીગ (IHPL ) નામની ટી-20 ક્રિકેટ સ્પર્ધા રાતોરાત બંધ થઈ ગઈ છે. અહેવાલો મુજબ, આયોજકો કથિત રીતે મધરાતે શ્રીનગરથી ભાગી છૂટ્યા છે, જેના કારણે હોટલના બિલ, ખેલાડીઓ અને અમ્પાયરોના પેમેન્ટ સહિતની ચૂકવણીઓ બાકી છે અને લગભગ 40 જેટલા ખેલાડીઓ હોટલોમાં ફસાયેલા છે.
યુવા વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરતી બિન-લાભકારી સંસ્થા પયુવા સોસાયટીથ દ્વારા જે.કે. ક્રિકેટ એસોસિયેશનના સહયોગથી આયોજિત આ ટૂંકા ગાળાની ટુર્નામેન્ટમાં વેસ્ટ ઇન્ડીઝના સ્ટાર ક્રિસ ગેલ, ન્યૂઝીલેન્ડના જેસી રાઇડર અને શ્રીલંકાના થિસારા પરેરા જેવા આંતરરાષ્ટ્રીય ખેલાડીઓ સામેલ હતા. રવિવાર સુધીમાં, બક્ષી સ્ટેડિયમ ખાલી થઈ ગયું હતું.
એક અંગ્રેજી અમ્પાયર, મેલિસા જ્યુનિપરે જણાવ્યું કે, આયોજકો હોટલમાંથી ભાગી ગયા છે. તેઓએ હોટલ, ખેલાડીઓ કે અમ્પાયરોને પૈસા ચૂકવ્યા નથી. ધ રેસીડેન્સી હોટલના એક અધિકારીએ જણાવ્યું કે આયોજકોએ લગભગ 150 રૂૂમ બુક કરાવ્યા હતા, પરંતુ રવિવારે સવારે જાણવા મળ્યું કે તેઓ બાકી રકમ ચૂકવ્યા વિના ગાયબ થઈ ગયા છે. જોકે, ગેલ સહિતના કેટલાક ખેલાડીઓ શનિવારે જ ચેકઆઉટ કરી ચૂક્યા હતા.
ભૂતપૂર્વ ભારતીય ઓલરાઉન્ડર પરવેઝ રસૂલ, જેઓ લીગમાં રમ્યા હતા, તેમણે જણાવ્યું કે વિદેશી દૂતાવાસોનો સંપર્ક ન થાય ત્યાં સુધી કેટલાક ખેલાડીઓને હોટલ છોડતા અટકાવવામાં આવ્યા હતા. એક સ્થાનિક ખેલાડીએ આરોપ લગાવ્યો કે આયોજકો જમ્મુ અને કાશ્મીરમાં આવા કાર્યક્રમનું આયોજન કરવામાં થતા ખર્ચનો યોગ્ય રીતે અંદાજ લગાવી શક્યા નહોતા. ઓછા પ્રેક્ષકો અને સ્પોન્સરના પીછેહઠ કરવાને કારણે તેઓ ભંડોળ વિનાના થઈ ગયા હોવાની સંભાવના છે.