દેશભરના IAS, IPS, IFSના રિ-મેડિકલ ટેસ્ટનો આદેશ
વિકલાંગતાના સર્ટિફિકેટના આધારે નોકરી મેળવનાર તમામ અધિકારીઓએ ફરીથી મેડિકલ ટેસ્ટ આપવો પડશે
પૂજા ખેડકર વિવાદ બાદ યુ.પી.એસ.સી.નું મોટું પગલું
ગુજરાતના અધિકારીઓને અમદાવાદ સિવિલમાં ટેસ્ટ કરાવવા સૂચના
મહારાષ્ટ્રની તાલિમી આઇએએસ અધિકારી પૂજા ખેડકર નકલી સર્ટીફિકેટના આધારે આઇએએસ અધિકારી બની ગયા બાદ હવે જે પણ આઇએએસ, આઇપીએસ કે આઇએફએસ અધિકારીઓએ વિકલાંગતા પ્રમાણપત્રોના આધારે નોકરી મેળવી હોય તેવા તમામ અધિકારીઓને અમદાવાદની સિવિલ હોસ્પીટલમાં ફરી મેડીકલ ટેસ્ટ આપવા યુ.પી.એસ.સી. દ્વારા હુકમ કરવામાં આવ્યો છે.
આવી જ રીતે દેશભરમાં વિકલાંગ કવોટા હેઠળ નિમણુંક મેળવનાર તમામ આઇએએસ, આઇપીએસ અને આઇએફએસ અધિકારીઓને પણ ફેર મેડિકલ ટેસ્ટ કરાવી યુ.પી.એસ.સી.માં રિપોર્ટ સબમીટ કરાવવા આદેશ અપાયો છે.
યુ.પી.એસ.સી.ના આ આદેશથી વિકલાંગના સર્ટિફિકેટની ગોલમાલ કરી અથવા તો ખોટા સર્ટિફિકેટ મેળવી નોકરી મેળવી લેનાર ઉચ્ચ અધિકારીઓમાં ફફડાટ ફેલાઇ જવા પામેલ છે. આ હુકમના પગલે આગામી દિવસમાં દેશભરની ઉચ્ચ અધિકારીઓની લોબીમાં ભારે ખળભળાટ મચાવે તેવી શકયતા દર્શાવાય છે. અનેક અધિકારીઓએ નોકરી પણ ગુમાવવી પડે તેવી શકયતા છે.
ઉલ્લેખનીય છે કે, મહારાષ્ટ્રની તાલીમી આઇએએસ અધિકારી પૂજા ખેડકર વિકલાંગતા સર્ટિફિકેટના આધારે વિકલાંગોના કવોટામાંથી આઇએએસ અધિકારી બન્યાનો ઘટસ્ફોટ થયો હતો અને ત્યારબાદ તેને નોકરીમાંથી ટર્મીનેટ કરી દેવામાં આવી હતી.
આ પ્રકરણથી દેશભરમાં ભારે ચર્ચા છેડાઇ હતી અને ગુજરાતમાં ચારેક સહીત દેશભરમાં અનેક અધિકારીઓ નકલી વિકલાંગતા સર્ટીફિકેટના આધારે આઇએએસ, આઇપીએસ કે આઇએફએસ અધિકારીઓ બની ગયાના આક્ષેપો થયા હતા. જેના પગલે યુપીએસસી દ્વારા અંતે વિકલાંગતાના કવોટા હેઠળ નોકરી મેળવનાર તમામ અધિકારીઓના ફેર મેડિકલ ટેસ્ટ કરવા આદેશ અપાયો છે.
ગુજરાત માટે પણ યુપીએસસી દ્વારા બહાર પાડવામાં આવેલા ઓર્ડરમાં એવું જણાવાયું કે રાજ્યના તમામ આઇએએસ, આઇપીએસ અને આઇએફએસ અધિકારીઓ કે જેમણે વિકલાંગતા પ્રમાણપત્રો સબમિટ કર્યા છે તેઓએ અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં પુન:પરીક્ષા કરાવવાની રહેશે. તેઓએ તેમની વિકલાંગતાની પુન:પરીક્ષાનો રિપોર્ટ મોકલવો પડશે.