ઉપરાષ્ટ્રપતિ પદના વિપક્ષના ઉમેદવાર સુદર્શન રેડ્ડીએ ઉમેદવારી નોંધાવી:સોનિયા, રાહુલ, ખડગે રહ્યા હાજર
ઈન્ડિયા એલાયન્સના ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર બી. સુદર્શન રેડ્ડીએ આજે(21 ઓગસ્ટ) પોતાનું ઉમેદવારીપત્ર ભર્યું. આ દરમિયાન કોંગ્રેસ નેતા સોનિયા ગાંધી, સાંસદ રાહુલ ગાંધી, સમાજવાદી પાર્ટીના નેતા રામગોપાલ યાદવ અને સંજય રાઉત સહિત તમામ વિપક્ષી નેતાઓ હાજર રહ્યા હતા. ઉપરાષ્ટ્રપતિ પદની ચૂંટણીમાં સુદર્શન રેડ્ડી NDA ઉમેદવાર સીપી રાધાકૃષ્ણનનો સામનો કરશે.
બી સુદર્શન રેડ્ડીએ ઉમેદવારી નોંધાવતાં પહેલાં સંસદ ગૃહની બહાર રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની પ્રતિમા સમક્ષ નમન કર્યું હતું. તેમણે સ્વતંત્રતા સેનાની અને મહાન નેતાઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. સૂત્રો અનુસાર, સુદર્શન રેડ્ડીએ ચાર સેટમાં ઉમેદવારી નોંધાવી છે. જેમાં 20 પ્રસ્તાવક અને 20 સમર્થક સામેલ રહ્યા છે. સુદર્શન રેડ્ડી સુપ્રીમ કોર્ટના ભૂતપૂર્વ ન્યાયાધીશ અને ગોવા લોકાયુક્ત રહી ચૂક્યા છે.
ઉપરાષ્ટ્રપતિ પદની ચૂંટણી માટે ઉમેદવારો દક્ષિણ ભારતના છે
એનડીએએ સીપી રાધાકૃષ્ણનને પોતાના ઉમેદવાર બનાવ્યા છે, તેમણે બુધવારે (20 ઓગસ્ટ) વડા પ્રધાન નરેન્દ્ર મોદીની હાજરીમાં પોતાનું ઉમેદવારીપત્ર ભર્યું. રસપ્રદ વાત એ છે કે આ વખતે ઉપરાષ્ટ્રપતિ પદની ચૂંટણી માટે બંને ઉમેદવારો દક્ષિણ ભારતના છે. સીપી રાધાકૃષ્ણન તમિલનાડુમાં ભાજપના એક અનુભવી નેતા રહ્યા છે. તેમણે દક્ષિણ ભારતમાં પાર્ટીને મજબૂત બનાવવા માટે ઘણું કામ કર્યું છે. તેમનો જન્મ તિરુપુરમાં થયો હતો. ઇન્ડિયા એલાયન્સના ઉમેદવાર ભૂતપૂર્વ ન્યાયાધીશ બી. સુદર્શન રેડ્ડી આંધ્રપ્રદેશ (હવે તેલંગાણા) ના રંગારેડ્ડી જિલ્લાના છે.
જયરામ રમેશે નોમિનેશન વિશે માહિતી આપી
કોંગ્રેસના મહાસચિવ જયરામ રમેશે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર વિપક્ષી ઉમેદવાર બી. સુદર્શન રેડ્ડીના નોમિનેશન વિશે માહિતી શેર કરી છે. તેમણે સુદર્શન રેડ્ડીના નિવેદન ધરાવતો પત્ર શેર કર્યો છે.