અમારા 16 ઉમેદવારોને પંદર કરોડની ઓફર: પરિણામો પહેલાં કેજરીવાલનો ધડાકો
નવી દિલ્હી વિધાનસભાની 70 બેઠકોના આવતીકાલે પરિણામ આવનાર છે. તે પૂર્વે આમઆદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલે આપના 16 ઉમેદવારોને પાર્ટી છોડવા રૂા. 15-15 કરોડની ઓફર ભાજપ દ્વારા કરાયાનો આક્ષેપ કરતા દિલ્હીના રાજકારણમાં ભારે ગરમાવો આવ્યો છે.
દિલ્હી વિધાનસભાનું ચૂંટણી પરિણામ જાહેર થવાનું છે. મતદાન બાદ જાહેર થયેલા એક્ઝિટ પોલ્સમાં ભાજપને સ્પસ્ટ બહુમતીના અનુમાન બાદ પૂર્વ સીએમ અરવિંદ કેજરીવાલે એક મોટો દાવો કર્યો છે. કેજરીવાલે કહ્યું કે કેટલીક પાર્ટીઓ કહી રહી છે ભાજપને 55 બેઠકો આવશે, છેલ્લા 2 કલાકમાં અમારા 16 ઉમેદવારો પાસે ફોન આવ્યાં કે આમ આદમી પાર્ટી છોડી દઈને અમારી સાથે જોડાવ 15-15 કરોડ સાથે મંત્રી બનાવી દઈશું.
જો ભાજપ 55થી વધુ બેઠકો જીતતું હોય તો તેણે અમારા ઉમેદવારોને કરોડોની લાંચ આપવાની શું જરુર? દરમિયાન કેજરીવાલે આજે બપોરે તેમના પક્ષના 70 ઉમેદવારોની બેઠક બોલાવી હતી અને એમાં પરિણામો પછી તોડફોડ ન થાય એ માટે રણનીતિ બનાવવામાં આવી હતી.
2025ની ચૂંટણીના એક્ઝિટ પોલ્સમાં આમ આદમી પાર્ટીને મોટાભાગના પોલ્સમાં 36-40 બેઠકો તો ભાજપને પણ તેટલી જ 39-44 બેઠકોનું અનુમાન વ્યક્ત કરાયું છે. દિલ્હીની અગાઉની બે ચૂંટણી 2020 અને 2015માં એક્ઝિટ પોલ્સમાં આમ આદમી પાર્ટી માટે આરામ જીતની આગાહી કરવામાં આવી હતી. 2015માં એક્ઝિટ પોલ્સમાં આમ આદમી પાર્ટીને 42 બેઠકોનું અનુમાન કરાયું હતું પરંતુ વાસ્તવિક રિઝલ્ટમાં 67 મળી એ જ રીતે 2020માં 56 બેઠકોના અનુમાનમાં 62 મળી હતી.
દિલ્હીમાં વિધાનસભાની 70 બેઠકો છે. દિલ્હીમાં, આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ તમામ 70 બેઠકો પર ચૂંટણી લડી રહ્યા છે, જ્યારે ભાજપ 68 બેઠકો પર પોતાનું નસીબ અજમાવી રહ્યું છે. ભાજપે તેના સાથી પક્ષો માટે બે બેઠકો છોડી હતી, જેમાં દેવલી બેઠક પરથી એલજેપી અને બુરારી બેઠક પરથી જેડીયુ ચૂંટણી લડી રહી છે.