કર્નલ સોફિયા વિષે વાંધાજનક ટિપ્પણી: એમપીના મંત્રી સામે ભાજપમાં નારાજગી
વિવાદ બાદ વિજય શાહે માફી માગી, કોંગ્રેસે રાજીનામુ માગ્યું
મધ્યપ્રદેશ સરકારના કેબિનેટ મંત્રી વિજય શાહ એક વિવાદાસ્પદ નિવેદનને કારણે ઘેરાયેલા છે. તેમણે ભારતીય સેનાની સિંહણ અને ઓપરેશન સિંદૂરમાં સેનાનો ચહેરો ગણાતા કર્નલ સોફિયા કુરેશી વિશે વાંધાજનક ટિપ્પણીઓ કરી છે, જેના કારણે હવે રાજકીય હોબાળો મચી ગયો છે. મંત્રીના આ નિવેદનની સામાન્ય લોકો અને સોશિયલ મીડિયા પર પણ ભારે ટીકા થઈ રહી છે.
જોકે, મામલો વધુ વકરી રહ્યો જોઈને મંત્રીએ માફી માંગી હતી. અને નિવેદનના થોડા કલાકો પછી, મંત્રી વિજય શાહને ભોપાલ બોલાવવામાં આવ્યા છે. સંગઠન મહાસચિવ હિતાનંદ શર્મા તેમને ભાજપ કાર્યાલયમાં બંધ રૂૂમમાં મળ્યા હતા.
સૂત્રોના જણાવ્યા અનુસાર, પાર્ટી નેતૃત્વએ મંત્રીના નિવેદન પર ગંભીર અસંતોષ વ્યક્ત કર્યો છે અને તેમની પાસેથી સ્પષ્ટતા માંગવામાં આવી છે. સૂત્રોનું માનીએ તો, મુખ્યમંત્રી મોહન યાદવે પણ મંત્રીના નિવેદન પર નારાજગી વ્યક્ત કરી છે અને કડક ચેતવણી આપી છે.
વિવાદ વધુ ઘેરો બન્યા પછી અને પક્ષની નારાજગી પછી, વિજય શાહે જાહેરમાં માફી માંગી અને કહ્યું, જો મારા નિવેદનથી કોઈ સમાજ કે કર્નલ સોફિયા કુરેશીને દુ:ખ થયું હોય, તો હું 10 વાર માફી માંગુ છું. કર્નલ સોફિયા મારી બહેન જેવી છે. મારો પોતાનો પરિવાર પણ લશ્કરી પૃષ્ઠભૂમિમાંથી છે અને અમે પણ દેશ માટે બલિદાન આપ્યું છે.
આ નિવેદન પર વિપક્ષ કોંગ્રેસે ભાજપ અને મુખ્યમંત્રી મોહન યાદવ સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ જીતુ પટવારીએ કહ્યું, શું ભાજપ અને સરકાર મંત્રી વિજય શાહના નિવેદન સાથે સહમત છે? જો નહીં, તો તેમને તાત્કાલિક બરતરફ કરવા જોઈએ. હું આ મુદ્દે વડા પ્રધાન નરેન્દ્ર મોદી, ભાજપ પ્રમુખ જેપી નડ્ડા અને મુખ્યમંત્રીને પત્ર લખીશ.
વિપક્ષના નેતા ઉમંગ સિંઘરે પણ આ નિવેદનને શરમજનક ગણાવ્યું અને દેશ પાસેથી માફી માંગવાની માંગ કરી. તેમણે કહ્યું, સેના અને તેના અધિકારીઓનો કોઈ ધર્મ નથી હોતો. તેમને હિન્દુ કે મુસ્લિમ તરીકે ન જોવું જોઈએ. સેનાનો એકમાત્ર ધર્મ દેશ છે. ભાજપની ભાષા તેની વિચારસરણીને પ્રગટ કરે છે.
મંત્રી વિજય શાહે મંગળવારે મહુમાં એક જાહેર સભા દરમિયાન કહ્યું, જે લોકોએ અમારી દીકરીઓના સિંદૂરનો નાશ કર્યો હતો, અમે તેમની એક બહેનને તે જ વિકૃત લોકો પાસે મોકલી અને તેમને જવાબ આપ્યો હતો. મંત્રીએ આગળ કહ્યું, તેઓએ (આતંકવાદીઓએ) આપણા હિન્દુઓને કપડાં ઉતારીને મારી નાખ્યા અને મોદીજીએ તેમની બહેન (કર્નલ સોફિયા કુરેશી) ને તેમને ખરાબ રીતે મારવા માટે તેમના ઘરે મોકલી હતી.
મોદીજી તેમને કપડાં ઉતારી શક્યા નહીં, તેથી તેમણે તેમના સમુદાયની એક બહેનને મોકલી અને તેમને કહ્યું કે તમે અમારી બહેનોને વિધવા બનાવી દીધી છે, હવે તમારા સમુદાયની બહેન આવશે અને તમને કપડાં ઉતારીને છોડી દેશે.